નારોલમાં નિવૃત પોલીસ અધિકારીની પુત્રીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ અવારનવાર ઝઘડા કરીને છરીના 20 જેટલા ઘા મારીને હત્યા કરી છે. જે બાદ પતિએ પત્નીના ભાઇને ફોન કરીને મે તારી બેનની હત્યા કરી નાખી છે કહીને વોટ્સએપમાં ફોટા અને વિડીયો પણ મોકલ્યા હતા. આ અંગે ભાઇએ બનેવી સામે નારોલ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
મૂળ મધ્યપ્રદેશના અને એરપોર્ટ વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્ર પરાસર ખાનગી કંપનીમાં આસીસ્ટન્ટ એક્ઝયુક્યુટીવ તરીકે નોકરી કરે છે. તેમના પિતા નિહાલસિંગ પોલીસ વિભાગમાં અધિકારી હતા. અને હાલ તેઓ હોર્સ રાયડિંગના કોચ તરીકે સેવા આપે છે. ત્યારે ભૂપેન્દ્રભાઇની 36 વર્ષીય બહેન સ્વાતીબેને 14 વર્ષ અગાઉ નારોલના નિલેશકુમાર શાહ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર પણ છે. લગ્ન બાદ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જે બાદ પતિ નિલેશ પત્નીના ચારિર્ત્ય પર શંકા રાખીને ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. આ અંગે પત્નીએ તેના ભાઇ ભૂપેન્દ્રને વાત કરતા તેને બનેવી નિલેશને સમજાવતા હતા. જ્યારે ગત 4 ઓક્ટોમ્બરે સવારના સમયે બનેવી નિલેશે સાળા ભૂપેન્દ્રને ફોન કરીને જણાવ્યુ હતુ કે મે તારી બહેનની હત્યા કરી નાખી છે પરંતુ ભૂપેન્દ્રને મઝાક લાગી હતી. જેથી તેને બહેનને ફોન કરતા નિલેશે જ ઉપાડયો હતો. બાદમાં બાળકો સાથે વાત કરાવી હતી અને વોટ્સએપમાં ઇજાગ્રસ્ત હોવાના ફોટા અને વિડીયો મોકલ્યા હતા. જેથી ભૂપેન્દ્રભાઇ તાત્કાલિક ઇન્દોરથી અમદાવાદ આવ્યા હતા. જે બાદ તપાસ કરતા નિલેશે પત્ની સ્વાતિબેનને શુક્રવારે સવારે ફરીથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને પતિએ ઉશ્કેરાઈને પત્નીને પલંગ પર પછાડીને 20 જેટલા છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી.