અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસે આળસ મરડી છે જેમાં શહેર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ નાઈટ હાથધરી હતી,અમરાઈવાડી, રામોલ, રખિયાલમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતુ તો બાપુનગર અને ખોખરમાં પણ પોલીસે ફૂટ પેટ્રોલિંગની કામગીરી કરી હતી આ કોમ્બિંગ દરમિયાન આર્મ એક્ટ હેઠળ 26 કેસ કર્યા હતા અને વાહન ચાલકોના લાયસન્સ ના હોય તેવા વાહનો પણ ડિટેઈન કર્યા હતા.
જાણો પોલીસે કયા ગુના નોંધ્યા
પોલીસની કોમ્બિંગ નાઈટ દરમિયાન અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા જેમાં પ્રોહિબિશન અંતર્ગત 36 કેસ,તડીપાર કરાયેલા 7 લોકોને ઝડપ્યા તો 91 વાહનોને ડિટેઈન કરાયા હતા જેમાં 9 વાહનચાલકોને ઓનલાઈન મેમો ફટકાર્યા તો કોમ્બિંગ દરમિયાન 2 ફરાર આરોપીને ઝડપ્યા હતા,સાથે સાથે અલગ-અલગ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલા આરોપીઓની અને ગુનેગારોની ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ચર્ચા પણ કરી હતી.
ગઈકાલે ઝોન-4 વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ કરી
ગઈકાલે પોલીસે રાત્રે ઝોન-4 માં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ યોજી હતી,જેમાં અલગ-અલગ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યા હતા.જેમાં પોલીસે દારૂના અડ્ડા પર રેડ પણ કરી હતી અને પ્રોહીબીશનને લગતા કેસો પણ કર્યા હતા,સમગ્ર કોમ્બિગ દરમિયાન એનડીપીએસને લગતા એક પણ કેસ કરવામાં આવ્યા નથી.ઝોન 4 માં દરિયાપુર,નરોડા,શાહીબાગ,સરદારનગર,મેઘાણીનગર,કૃષ્ણનગર,એરપોર્ટ પોલીસ સ્ટેશન આવે છે,જેમાં સરદાર નગરમાં સૌથી વધુ પ્રોહીબિશનના 12 કેસ કરવામાં આવ્યા છે.સરદાર નગરમાં 105 વાહન ચાલકોને ચેક પણ કરવામાં આવ્યા હતા.
વહીવટદારની બદલી કરાઈ
અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર શરૂ કરાયો છે. અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 પોલીસ કર્મચારીઓની અમદાવાદ બહાર જિલ્લાઓમાં બદલીના કમિશનરે આદેશ આપ્યા છે. વહીવટી કારણોસર રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલની તાપી, કેયુર ધીરુભાઈ બારોટની જૂનાગઢ, સિરાજ રજાક મન્સુરીની પોરબંદર, હરવિજયસિંહ ચાવડાની અમરેલી, જગદીશ પટેલની પશ્ચિમ કચ્છ ભુજ અને મહેન્દ્રસિંહ દરબારની જામનગર સહિત 13 વહીવટદારોની બદલી કરાઈ છે.