દેશની સુરક્ષાના મુદ્દે ડીજીપી-આઈજીપી કોન્ફરન્સમાં સુચવાયેલા મુદ્દાઓ પૈકી રાજ્ય પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સંકલન વધારવાના મામલે નવી પોલીસ કમિશનર ઓફિસ ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં મંગળવારે વર્કશોપનું આયોજન થયું હતું.
આ વર્કશોપમાં કેન્દ્રીય એન્જસીના પોર્ટલ તેમજ એપ્લિકેશન બાબતે રાજ્ય પોલીસના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં NCB, CBI, IB, FRRO, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ NATGRID સહિતની વિવિધ કેન્દ્રીય એજન્સીના અધિકારી તેમજ શહેર પોલીસના 150 અધિકારીઓ હાજર રહ્યા હતા.
કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓ દ્વારા તેઓના ડિપાર્ટમેન્ટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પોર્ટલ અને એપ્લિકેશન બાબતે પોલીસ અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. આ વર્કશોપનું આયોજન જિલ્લા કક્ષાએ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. રાજ્યના જિલ્લા તેમજ શહેરના 36 ડીવાયએસપી અને 91 પોલીસ ઈન્સ્પેક્ટર વર્કશોપમાં હાજર રહ્યા હતા.