વાહનવ્યવહાર વિભાગ દ્વારા જિલ્લાના બાકરોલ-બાદરાબાદમાં ચાલી રહેલા ખાનગી ફિટનેસ સેન્ટરને મંજૂરી અપાશે તો સુભાષબ્રિજ આરટીઓમાં આવતાં વિસ્તારના લોકોને વાહનના ફિટનેસ માટે 22 કિ.મી.દૂર જવું પડશે. હાલ ફિટનેસ સેન્ટરના હદની સ્પષ્ટતા નહીં થતાં વાહનવ્યવહાર વિભાગે સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરી પાસે હદને લઇને રિપોર્ટ મંગાવ્યો હતો.
આશ્ચર્યની વાત એ છે કે, બંને કચેરીના રિપોર્ટ ભિન્ન હોવાનું જાણવા મળ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આજ ફિટનેસ સેન્ટર સામે અગાઉ સરકારી વાહનોના ફિટનેસ માટે ગેરકાયદે ફી લેવાના પણ આક્ષેપ થયા હતાં. મ્યુનિ.કોર્પોરેશનના મતે ટી.પી.નંબર 401/બ બાકરોલ-બાદરાબાદ મક્તપુરા વોર્ડ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં છે. ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે, કદાચ સેન્ટરને મંજૂરી મળી જશે.
બાકરોલ ખાતે કાર્યરત ફિટનેસ સેન્ટરે પશ્ચિમના વાહનોના ફિટનેસ માટે વિભાગ સમગ્ર માગણી કરી હતી. જેના પગલે વાહનવ્યવહાર વિભાગે હદની સ્પષ્ટતા માટે પૂર્વ અને પશ્ચિમ આરટીઓ કચેરી પાસે રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં પૂર્વની વસ્ત્રાલ એઆરટીઓ કચેરીએ પોતાના જ વિસ્તારના અન્ય એક સેન્ટર અને પશ્ચિમ વિસ્તારની માગણી કરનાર સેન્ટર વચ્ચે માત્ર 500 મીટરનું અંતર હોવા છતાં પોઝિટિવ રિપોર્ટ કર્યો છે. જ્યારે પશ્ચિમની સુભાષબ્રિજ આરટીઓ કચેરીના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, વેજલપુર તાલુકો બાકરોલ-બાદરાબાદના રબારી વાસ, વણકરવાસ, ઠાકોરવાસના તમામ નવા વાહનોનુું વર્ષ 2017થી રજિસ્ટ્રેશન વસ્ત્રાલ એઆરટીઓમાં થયું છે. જેથી પશ્ચિમ વિસ્તાર લાગુ પડતો નથી.