GST ફ્રોડ કેસ મામલે મહેશ લાંગા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવશે. રૂપિયા 28 લાખના ચિટિંગ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આજે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં આ જાણકારી આપી છે.
મહેશ લાંગાએ કોર્ટમાં કબૂલ્યું કે તેની જ કંપની હતી: પોલીસ કમિશનર જી.એસ.મલિક
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે કહ્યું કે અગાઉની FIRનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું છે, જેમાં ધ્રુવી એન્ટરપ્રાઈઝમાં 12 કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને મહેશ લાંગાએ કોર્ટમાં પણ કબૂલ્યું છે કે તેની જ કંપની હતી. આ કેસમાં અત્યાર સુધી 17 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. મહેશ લાંગાએ IT રિટર્નમાં પણ ઓછી આવક બતાવી છે પણ મહેશ લાંગાની લાઈફસ્ટાઈલ કરોડપતિ જેવી હતી. ત્યારે તપાસ દરમિયાન પણ પોલીસને લાંગાના ઘરેથી 20 લાખ રૂપિયા મળ્યા હતા.
મહેશ લાંગાની લાઈફસ્ટાઈલ કરોડપતિ જેવી હતી
વધુમાં શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું કે મહેશ લાંગાના ઘરેથી કેટલાક ડોક્યુમેન્ટ પણ મળ્યા છે, જેમાં કેટલાક દસ્તાવેજો સચિવાલયને લગતા પણ હતા. અમે ગાંધીનગર પોલીસને પણ જાણ કરીને ફરિયાદ દાખલ કરવા માટે કહ્યું છે. મહેશ લાંગાએ 28 લાખ રૂપિયા જાહેરાત આપવા માટે લીધા છે. ત્યારે હવે મહેશ લાંગાની લાઈફ સ્ટાઈલ અને તેના સંપર્કોની પણ તપાસ કરવામાં આવશે અને આ આખા કૌભાંડનો આંકડો કરોડો રૂપિયામાં સામે આવે તેવી શક્યતા છે.
19 ઓક્ટોબરે રિમાન્ડ પૂર્ણ થતાં મહેશ લાંગા સહિત 4 લોકોને જેલભેગા કરાયા
તમને જણાવી દઈએ કે બોગસ દસ્તાવેજો બનાવીને બિલીંગો લઈને કરોડો રૂપિયાની જીએસટી ચોરી આચરવા કેસ મામલે ક્રાઈમ બ્રાન્ચે પકડેલા પત્રકાર મહેશદાન પ્રભુદાન લાંગા, અબ્દુલકાદર ઉર્ફે બાપુ સમદભાઈ જૈનમીયા કાદરી, એજાઝ ઉર્ફે માલદાર ઈકબાલ હબીબભાઈ માલદાર અને જયોતીશ મગનભાઈ ગોંડલીયાના રિમાન્ડ 19 ઓક્ટોબરે પૂર્ણ થતા એડિશનલ ચીફ્ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ મનીષ ચૌહાણે સાબમરતી જેલમાં મોકલી આપ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીના વધુ રિમાન્ડની માગ કરી નહોતી.