ઘાટલોડિયામાંથી કુખ્યાત ખંડણી ખોર મનીષ ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી છે. જે ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીનો સાગરીત છે. આરોપીએ કાપડના વેપારી પાસેથી રૂપિયા 25 લાખની ખંડણીની માગણી કરી હતી. આરોપી વિરુદ્ધ અગાઉ અપહરણ, હત્યા અને ખંડણીના અનેક ગુના નોંધાયેલા છે.
આરોપીએ રૂપિયા 25 લાખની ખંડણી માગી હતી
આરોપી ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીનો સાગરીત મનીષ ગોસ્વામી છે. જેને વેપારીઓ અને બિલ્ડર પાસેથી ખંડણીની માગ કરીને આતંક મચાવ્યો છે. આ ટોળકી ફરીથી સક્રિય થતા વેપારીઓમાં ફફડાટ વધ્યો હતો. નારણપુરા શાસ્ત્રીનગરમાં રહેતા અને સુભાષ ચોકમાં લેડીસ વેસ્ટર્ન વેરનો બિઝનેસ કરતા વેપારી દિનેશભાઈ પાસેથી આરોપીએ રૂપિયા 25 લાખની ખંડણી માગી હતી. વેપારીનો પુત્ર કરણ મુંબઈ ખાતે રહે છે અને અમદાવાદ ખાતેની દુકાનમાં કપડા સપ્લાય કરે છે.
31મી ઓક્ટોબરના રોજ દિનેશભાઈ તેમની દુકાન પર હતા, ત્યારે મનીષ ગોસ્વામી ત્યાં આવ્યો હતો અને પુત્ર પાસે રૂપિયા 25 લાખ લેવાનું કહીને ખંડણીની માગણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેપારીએ તેમના પુત્રને જાણ કરતા આ કુખ્યાત ગુનેગાર હોવાનું જાણવા મળતા વેપારીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મનીષ ગોસ્વામીની ધરપકડ કરી છે.
મનીષ ગોસ્વામીનો ગુનાહિત ઈતિહાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે કુખ્યાત ખંડણીખોર મનીષ ગોસ્વામીનો ગુનાહિત ઈતિહાસ છે. જે ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીનો સાગરીત છે. આ આરોપી મનીષ ગોસ્વામીએ વર્ષ 2010થી 2014 દરમિયાન અમદાવાદ, નવસારી અને મધ્યપ્રદેશમાં અપહરણ, હત્યા, લૂંટ, ચોરી સહિત અનેક ગુનાઓને અંજામ આપ્યો છે. અમદાવાદમાં તેની વિરુદ્ધ 7 જેટલા ગુના નોંધાયા છે. વર્ષ 2014માં આરોપી પકડાયો હતો અને સાડા છ વર્ષ સુધી સાબરમતી જેલમાં રહ્યો હતો. જો કે વર્ષ 2020 ઓગસ્ટમાં જામીન પર છૂટ્યા પછી ફરી આ ગુનાને અંજામ આપ્યો હતો.
2022માં પણ પૈસાની લેવદેવડના ઝઘડામાં મનીષ ગોસ્વામી વચ્ચે પડ્યો હતો અને 1.25 કરોડની ખડણી માગી હતી. જે કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી. હાલમાં ફરી વેપારી પાસેથી ખંડણી માગણી કરતા પોલીસે મનીષ ગોસ્વામીની ધરપકડ કરીને ઘટના સ્થળે લઈને રી કન્સ્ટ્રકશન કરીને પંચનામું કર્યું હતું. પોલીસે વેપારીઓમાં આરોપીની દહેશત દૂર કરવા માફી પણ મગાવી હતી.
પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી
ઘાટલોડિયા પોલીસે કુખ્યાત મનીષ ગોસ્વામીની ધરપકડ કરીને તેના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ અન્ય ક્યાં ક્યાં વેપારી કે બિલ્ડર પાસેથી ખંડણી માગી છે અને તેની સાથે અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે. આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે, જેથી પોલીસે પાસાને લઈને કાર્યવાહી હાથ ધરી છે.