જો તમારું બાળક પાડોશી જોડે રમવા જાય છે તો ધ્યાન રાખજો, કારણ કે અમદાવાદના નિકોલના ઈન્દિરા નિવાસમાં પાડોશીએ જ પિશાચ બનીને 7 વર્ષની બાળકીને પીંખી નાખી હતી. હદ તો ત્યાં આવી કે પાડોશી પિશાચે બાળકીને ગળું દબાવી મારી નાખવાની કોશિશ પણ કરી હતી.
બાળકીને ધાબા પર બોલાવી બપોરના સમયે દુષ્કર્મ આચર્યુ
ગુજરાતમાં દરરોજ માનવતાને શર્મસાર કરતા કિસ્સા સતત વધીને સામે આવી રહ્યા છે, ત્યારે આવી જ વધુ એક માનવતાને શર્મસાર કરતી ઘટના અમદાવાદના નિકોલમાં આવેલા ઈન્દિરા નિવાસમાં બની છે, ઈન્દિરા નિવાસમાં રહેતા પરિવારની 7 વર્ષની બાળકી સાથે પાડોશી પિશાચે બાળકીને ધાબા પર બોલાવી બપોરના સમયે દુષ્કર્મ આચર્યુ હતું અને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જો કે બાળકીએ બુમો પાડતા પાડોશી પિશાચ પોતાના ઘરમાં જઈને સુઈ ગયો હતો અને બાળકીનો જીવ બચી ગયો હતો.
પાડોશીઓએ નરાધમને ચખાડ્યો મેથીપાક
આ નરાધમે તેની દીકરી સમાન નાની બાળકીને રમાડવાના બહાને ધાબા પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું, બાદમાં બાળકી કોઈને કહે તે પહેલાં જ ગળું દબાવી બાળકીને મોતને ઘાટ ઉતારવાનો કારસો રચ્યો, પરંતુ તેવું થઈ શક્યું નહીં કારણ કે બાળકીએ બુમો પાડતા પાડોશીઓ ભેગા થઈ ગયા હતા, જેથી નરાધામ પોતાના ઘરમાં જઈને જાણે કંઈ બનાવ જ ન બન્યો હોય તેમ સુઈ ગયો હતો. જો કે પાડોશીઓને જાણ થતાં આરોપી પિશાચને પાડોશીઓએ મેથીપાક આપી પોલસીના હવાલે કર્યો હતો.
પોલીસે આરોપીની કરી ધરપકડ
પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે અને જેલના હવાલે ધકેલી દીધો છે સાથે જ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અશોક રાજપૂત છૂટક મજુરી કરતો હતો અને પરિવાર વિના એકલો જ રહેતો હતો. આમ જો તમારું બાળક પણ આવા પાડોશીઓ સાથે એકલું રમતું હોય તો વાલીની ફરજ બને છે કે ધ્યાન રાખે, જેથી આવા નરાધમ પાડોશી પિશાચથી બાળકીઓને બચાવી શકાય.