અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થઈ ચુક્યો છે. સતત તાપમાનનો પારો ગગડતાં ભર બપોરે પણ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો માત્ર 2 દિવસમાં જ લઘુતમ તાપમાનનો પારો 2.7 ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. શહેરમાં મહત્તમ તાપમાન પણ 29 ડિગ્રી રહેતા દિવસે લોકો ગરમ કપડા પહેરવા લાગ્યાં છે.
આજે ગુજરાતનાં 6 શહેરમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું, જેમાં કચ્છના નલિયામાં 12.4 ડિગ્રી અને કેશોદમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાતા સૌથી વધુ ઠંડીનો અહેસાસ થયો હતો.ગુજરાતમાં શુક્રવાર સુધી સતત ત્રણ-ચાર દિવસ તાપમાનનો પારો ઊંચકાતા અચાનક જ ઠંડીનો ચમકારો ઘટી ગયો હતો, પરંતુ ફરી એકવાર પારો ગગડતાં રાજ્યભરમાં શિયાળાની ઠંડીની જમાવટ શરૂ થઈ છે. આજે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું જે, સામાન્ય કરતાં 2.3 ડિગ્રી ઓછું હતું. જેના કારણે દિવસ દરમિયાન ઠંડીનો વર્તારો રહ્યો હતો. જોકે લઘુતમ તાપમાન બે દિવસ પહેલાં 18 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું એ ઘટીને આજે 15.4 ડિગ્રી થતાં ઠંડીનો માહોલ બન્યો છે. પરંતુ હજુએ અમદાવાદમાં લઘુતમ તાપમાન ખરેખર નોંધવવુ જોઈએ એના કરતાં 0.3 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું હોવાનું હવામાન ખાતાનું કહેવુ છે. એ સિવાય રાજ્યના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો, કચ્છના નલિયામાં 12.4 ડિગ્રી અને કેશોદમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.