અમદાવાદ શહેરમાં એકવાર ફરીથી વિવિધ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વખતે ચોમાસામાં અતિવૃષ્ટિની સ્થિતિ અને છેલ્લે સુધી વરસાદ પડયો હોવાથી શાકભાજીમાં નુકસાની થઇ છે અને પાકનું ઉત્પાદન મોડું આવ્યું છે. અને હવે લગ્નગાળો શરૂ થતા શહેરમાં હજારો લગ્ન પ્રસંગો યોજાઇ રહ્યા હોવાના કારણોસર પણ શાકભાજીની માંગમાં ખૂબ જ વધારો થતા હાલ તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે નવેમ્બર માસના અંત સુધીમાં શાકભાજીની આવકો વધતી હોવાથી દર વર્ષે તમામ શાકભાજીઓના ભાવ ઘટી જતા હોય છે. પરંતુ આ વર્ષે વરસાદના કારણે ઉત્પાદનમાં મોડુ થયું હોવાથી તેમજ હાલમાં ડિસેમ્બર માસમાં હજારો લગ્ન ચાલી રહ્યા હોવાથી શાકભાજીની માંગમાં અતિભારે વધારો જોવા મળી રહ્યો છે. જેણે સામાન્ય વર્ગના લોકો માટે બે ટાઇમ શાકભાજી ખાવી ગજા બહારની વાત બનાવી દીધી છે. 40 થી 160 રૂપિયે વિવિધ શાકભાજી મળી રહી છે. જે ખરીદીને ખાવી મધ્યમવર્ગીય પરિવારો માટે હાલ મુશ્કેલ બની ગયું છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટકથી ડુંગળી તેમજ યુપી, એમપી સહિતના અન્ય રાજ્યોમાંથી બટાકાની આવકો ખૂબ જ ઓછી થઇ જવા પામી છે. જેના કારણે શાકભાજીના ભાવ સામાન્ય કરતા દોઢથી બે ગણા વધારે જોવા મળી રહ્યા છે. વેપારીઓના મતે આ વર્ષે કેટલાક રાજ્યોમાં નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ડુંગળીનો નવો પાક ઓક્ટોબરના અંત સુધીમાં આવવાનો શરૂ થઇ જતો હોય છે પરંતુ તે આ વર્ષે નવેમ્બરના અંત સુધી શાકભાજીનો પાક પુરેપુરો તૈયાર થયો નથી. 15 ડિસેમ્બર પછી શાકાભાજીની નવી આવકો શરૂ થશે, ત્યારબાદ જ વિવિધ શાકભાજીના ભાવ ઘટશે તેવું હાલ વેપારીઓ જણાવી રહ્યા છે. વેપારીઓના મતે લગ્નના શુભ મૂહુર્ત તા.14 તારીખ સુધી છે. પછી એક મહિના સુધી લગ્નો પર બ્રેક વાગી જશે અને તા.16 જાન્યુઆરી પછી ફરીથી શુભ મૂહુર્ત શરૂ થશે આમ 15 ડિસેમ્બર પછી લગ્ન ન હોવાથી પણ શાકભાજીના ભાવ ઘટવાની ધારણા છે.