શહેરમાં નવા રોડ બન્યા પછી તેના પર ધૂળ નાખવામાં આવે અને રોડની જાળવણી થાય તેવી કામગીરી કરવામાં આવે છે. પરંતુ ખોખરાના કાશીવિશ્વનાથ ચાર રસ્તાથી ખોખરા પોલીસ સ્ટેશન સુધીના વિસ્તારમાં રોડ બનાવ્યા વગર જ તેના પર ધૂળ નાખી દેવામાં આવી છે.
જેના કારણે સમગ્ર વિસ્તાર ધૂળિયો બની ગયો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ હાલમાં ઠંડની શરૂઆત સાથે પવનના કારણે ખૂબ જ ધૂળ ઉડતાં ત્યાં આવેલી શાળામાં જતાં બાળકોને પણ તકલીફ પડે છે.કાશી વિશ્વનાથ ચાર રસ્તા પાસે આવેલા અસ્મિતા પાર્કમાં રહેતાં સ્થાનિકે જણાવ્યું કે, ઘણાં સમયથી રોડ બનાવવા માટે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તેના રિપોરિંગ કરવાની પણ તંત્રએ તસ્દી લીધી ન હતી અને તેના બદલે રોડ પર ધૂળ નાખી દેવામાં આવી છે. આ રોડ પર સ્કૂલ પણ આવેલી છે. જેમાં નાના બાળકો આવતાં હોય છે. જેમને પણ ધૂળિયા વિસ્તારમાંથી પસાર થવાની મજબૂરી ઉભી થાય છે. આ ઉપરાંત નજીકમાં આવેલા લક્ષ્મી નારાયણ પાર્ક અને વિવિધ સોસાયટીમાં રહેતા વૃધ્ધોએ પણ ધૂળિયા વિસ્તારમાંથી પસાર થવું પડી રહ્યું છે. તંત્ર દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવી રહી નથી.