ધોરણ.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સરકાર દ્વારા સાઇકલ આપવામાં આવે છે. સાઇકલ સહાય માટે સ્કૂલોએ ઓનલાઇન દરખાસ્ત કરવાની હોય છે, પરંતુ સ્કૂલોની બેદરકારીના કારણે વિદ્યાર્થિનીઓ સાઇકલથી વંચિત રહેતી હોવાની વિગતો ધ્યાને આવી છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની 82 સ્કૂલોની દરખાસ્તના અભાવે ગત વર્ષની વિદ્યાર્થીઓ હજુ સુધી સાઇકલથી વંચિત રહી છે. સ્કૂલ સંચાલકોની બેદરકારીને લઈ સરકારના વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ડીઈઓને પત્ર પાઠવી જણાવ્યું છે કે, આ સ્કૂલો પાસેથી આગામી સાત દિવસમાં દરખાસ્ત કરવામાં આવે. સરકારના વિકસતી જાતિ કલ્યાણ ખાતાની કચેરીથી સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં ધોરણ.9માં અભ્યાસ કરતી બક્ષીપંચ તેમજ આ.પછાત વર્ગની વિદ્યાર્થિનીઓને સરકાર તરફથી સાઇકલ આપવાનું ઠરાવવામાં આવ્યું છે.
અમદાવાદ શહેર અને જિલ્લાની જે શાળાઓની દરખાસ્ત બાકી છે એમાં ધોળકા તાલુકાની 3, બાવળાની 1, વિરમગામની 2, માંડલની 1, દસ્ક્રોઈની 16 અને અમદાવાદ શહેરની 59 શાળાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સ્કૂલ સંચાલકોની આળસના કારણે વિદ્યાર્થિનીઓ સાયકલ મેળવવાથી વંચિત રહી છે. સુત્રોનું કહેવુ છે કે, સાયકલ, સ્કોલરશીપ સહિતની સરકારની સહાયોમાં સંચાલકોની આળસના કારણે ઘણા વિદ્યાર્થીઓ સહાયથી વંચિત રહે છે. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પણ સંચાલકોના પાપે સહાયમાં વિલંબ થતો હોય છે.