ઈન્કમટેક્સ વિભાગ દ્વારા વડોદરા, અમદાવાદ અને સુરતમાં અગ્રણી બિલ્ડર ગ્રુપ અને તેના ભાગીદારો તથા તેની સાથે સંકળાયેલાઓના રેસિડેન્શિયલ, ઓફિસ, કન્સ્ટ્રક્શન સાઈટ સહિત 20 જેટલા સ્થળોએ સાગમટે પાડેલા દરોડામાં રૂ. 10 કરોડની રોકડ રકમ મળી છે.
I. T. વિભાગના દરોડામાં અમદાવાદમાં વધુ એક અને વડોદરામાં વધુ બે સ્થળ સહિત વધુ ત્રણ પ્રિમાઈસીસનો ઉમેરો કરાતાં કુલ 23 સ્થળે આવકવેરાનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરોડાના કાર્યવાહીમાં મોટાપાયે બિનહિસાબી વ્યવહારો અને સંખ્યાબંધ વાંધાનજક દસ્તાવેજો મળી આવ્યા છે. આવકવેરા વિભાગને સોના- ચાંદીના દાગીના, ઝવેરાત મળી આવ્યું છે અને તેનું વેલ્યુએશન કરવામાં આવશે. I. T. વિભાગને બેંક લોકર્સ મળી આવ્યા છે અને તે ઓપરેટ કરવાના બાકી છે. બેંક લોકર્સ ખોલવામાં આવ્યા પછી રોકડ, જ્વેલરી, ડોક્યુમેન્ટ મળે તેવી શક્યતા છે. આવકવેરા વિભાગના મેગા સર્ચ ઓપરેશનમાં જંગી કરચોરી પકડવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં લેમિનેશન ગૃપને ત્યાં સર્ચ નહીં પરંતુ સર્વે હાથ ધરાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
દિવાળના તહેવારો શરૂ થાય તે પહેલાં જ ઈન્કમટેક્સ વિભાગ, વડોદરાના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ન્યાલકરન (Nyalkaran ) અને રત્નમ ગ્રુપ તેમજ અમદાવાદ અને સુરતમાં તેની સાથે સંકળાયેલાઓ પર ત્રાટક્યું હતું. આવકવેરા વિભાગને મોટાપાયે વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે. આ દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણીમાં જોવા મળ્યું હતું કે, વડોદરાના બિલ્ડર ગ્રુપ દ્વારા ફ્લેટ, ઓફિસના ઓછી રકમના દસ્તાવેજ કરાયા હતા અને બાકી નાણાં રોકડમાં લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ બોગસ લોનના દસ્તાવેજો અને વ્યવહારો પણ જોવા મળ્યા છે. આ પ્રકારે મેળવેલી રકમનું જમીન સહિત રીયલ એસ્ટેટની ઓછી કિંમત આંકીને એટલેકે અન્ડરવેલ્યુએશન દર્શાવીને રોકાણ કરાયું હોવાનું જોવા મળ્યું છે.
રાજકોટ, મોરબીમાં DGGI પણ જોડાયું
રાજકોટની ખેડા ઇન્ડસ્ટ્રીયલ પ્રા. લી. અને મોરબીની કાર્મી કલર સેશ પ્રા.લી.ના પ્રોપરાઈટર મનોજ વલેચા તથા રવિ મનસુખભાઇ જસાણી છે અને તેઓ સિરામિક એન્ડ સ્ટોન મેન્યુફેક્ચરિંગ મશીનરીના ધંધા સાથે સંકળાયેલા છે. I.T. વિભાગને તપાસમાં જ્વેલરી અને લોકર્સ પણ મળી આવ્યા છે. લોકર્સ ઓપરેટ કરાયા પછી તેમાંથી રોકડ, જ્વેલરી અને ડોક્યુમેન્ટ મળે તેવી શક્યતા છે. આ દરોડામાં મોટાપાયે કરચોરી મળે તેવી શક્યતા છે. રાજકોટ- મોરબીમાં દરોડાની કાર્યવાહીમાં આવકવેરા વિભાગ સાથે GST-DGGI વિંગ પણ જોડાયેલી હોવાનું જાણવા મળે છે.