AMC દ્વારા શહેરને ચોખ્ખું રાખવાની નેમ સાથે સ્વચ્છતા જાળવણી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પાન- મસાલા ખાઈને પિચકારી મારીને રસ્તા અને જાહેર સ્થળોએ ગંદકી કરનારા સામે કડક પગલાં ભરવા માટે AMC દ્વારા CCTV મૂકવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધુ જાહેર સ્થળોએ CCTV લગાવવામાં આવશે અને રોડ પર પાનની પિચકારી મારનારાઓનો ફોટો, વીડિયો કેપ્ચર કરીને AMCના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર મારફતે કસૂરવારના ઘેર જઈને દંડ વસૂલ કરાશે.
હાલ જાહેરમાં થૂંકનાર પાસેથી રૂ. 100 દંડ વસૂલ કરાય છે. જો કોઈ વાહનચાલક કે વ્યક્તિ પાનની પિચકારી મારતા CCTVમાં કેદ થશે તો તેના ઘેર જઈને પેનલ્ટી વસૂલ કરાશે. ઉલ્લેખનીય છે કે, 2023માં જાહેરમાં થૂંકતા પકડાયેલા 2,773 લોકોને ઈ-મેમો આપવામાં આવ્યા હતા. જ્યારે 2024માં મે મહિના સુધી જાહેરમાં થૂંકતા 1,976 લોકોને ઈ-મેમો આપવામાં આવ્યો છે. આમ દોઢ વર્ષમાં જાહેરમાં થૂંકતા 4,749 લોકોને ઈ-મેમો આપવામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, શહેરને સ્વચ્છ બનાવવા માટે જાહેરમાં થૂંકતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા CCTVથી મોનિટરિંગ કરવામાં આવશે અને કોઈ થૂંકતા પકડાશે તો ઈ-મેમો બનાવી કર્મચારી દ્વારા તેના ઘરે મોકલીને દંડ વસૂલ કરવામાં આવશે. અગાઉ, AMC દ્વારા જાહેર રસ્તા પર પાનની પિચકારી મારી ગંદકી ફેલાવતા લોકો સામે ઝૂંબેશ હાથ ધરાઈ હતી, પરંતુ આ કામગીરીમાં ઢીલી નીતિ જોવા મળે છે. રાણીપમાં ગજરાજ પમ્પિંગ સ્ટેશનથી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અને રાણિપ, ચાંદલોડિયાના રહીશોને નર્મદાનું પાણી મળશે. લોટસ પાર્કની ડિઝાઈનને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરાશે.