અમદાવાદ શહેરમાં પતિ પત્ની વચ્ચે રહેતી તકરારે વધુ એક જીવ લીધો છે. નારોલ વિસ્તારમાં જ છેલ્લા બે મહિનામાં હત્યાની આ ત્રીજી એવી ઘટના બની છે, જેમાં પતિના હાથે પત્નીની હત્યા કરવામાં આવી હોય.
પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને છરીના ઘા મારી હત્યા કરી
ગઈકાલે પતિએ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને છરીના ઘા મારી હત્યા કરી હતી. જોકે હત્યા બાદ આરોપી પતિએ જ પોલીસ અને પરિવારને જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં ઘરકંકાસમાં હત્યાનો આ ત્રીજો બનાવ બન્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 2 મહિનામાં પણ હત્યાના આવા જ 2 બનાવો બન્યા હતા.
14 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો
ગઈકાલે નારોલના તિર્થ 2 ફ્લેટમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જે હત્યાના ગુનામાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે. નિલેશ શાહ નામના પતિએ પોતાની પત્ની સ્વાતીબેનની હત્યા કરી દીધી હતી. પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાથી પતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો અને તે ખટરાગ ગઈકાલે હત્યામાં પરિણમ્યો અને 14 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો છે.
નારોલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
જો બનાવની વિગત પર નજર કરીએ તો 14 વર્ષ પહેલા સ્વાતિ અને નિલેશના પ્રેમ લગ્ન થયા હતા અને લગ્નના લાંબા સમય બાદ પતિને પત્ની પર શંકા રહેતા અવાર નવાર ઝઘડા થતા હતા. જેમાં ગઈકાલે નિલેશે બંને બાળકોની હાજરીમાં પોતાની પત્ની સ્વાતીબેનને છરીના 20 ઘા મારી હત્યા કરી દીધી હતી. સ્વાતીની હત્યા કર્યા બાદ નિલેશે પહેલા સ્વાતીના ભાઈ ભુપેન્દ્ર પરાસરને જાણ કરી અને વિશ્વાસ અપાવવા માટે લાશના ફોટા અને વીડિયો મોકલ્યા હતા. જે બાદ પોલીસને પણ જાણ કરી હતી. જે અંગે નારોલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે બાળકોએ પોતાની માતા ગુમાવી
ઘર કંકાસમાં હત્યાના બનાવો શહેરમાં સતત વધી રહ્યા છે. જેમાં નારોલમાં થયેલી 3 હત્યા પણ સામાન્ય કારણોમાં જ થઈ હતી. ત્યારે હત્યાથી 14 અને 9 વર્ષના બે બાળકોએ માતા ગુમાવી અને પિતાને જેલમાં જવાનો સમય આવ્યો છે. જેથી સામાન્ય ગુસ્સામાં બાળકોના માથેથી માતા-પિતાની છત્રછાયા હટી ગઈ છે. ત્યારે આવા બનાવો સભ્ય સમાજ માટે જોખમરુપ સાબિત થઈ રહ્યા છે.