પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં નડિયાદ રેલવે સ્ટેશન ખાતે સોમવારે બપોરે દોઢ વાગ્યે ટ્રેન નં.22953 મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસને શોર્ટ ટર્મિનેટ કરી દેવાતા ટ્રેનના મુસાફરો રઝળી પડયા હતા. જેને લઇને તેઓએ હોબાળો મચાવી રેલવેતંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.
અમદાવાદ આવનારા મુસાફરોએ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા જાતે કરીને ગંતવ્ય સ્થળે પહોંચવાની ફરજ પડી હતી. અમદાવાદ વિભાગમાં વટવા-ગેરતપુર સેક્શનમાં બ્રિજ નંબર 711 ઉપર એન્જિનિયરિંગ કામને લઇને બ્લોક લેવાયો હતો. જેમાં આ ટ્રેનને નડિયાદ સુધી લાવી નડિયાદ-અમદાવાદ વચ્ચે આંશિક રદ કરી દેવામાં આવી હતી. જેને લઇને મુસાફરો અટવાઇ પડયા હતા. હવે શું કરવું, ક્યાં જવું ? જેવી અસમંજસભરી સ્થિતિમાં મુકાયા હતા. આ મામલો ઉગ્ર બનતા પોલીસ પણ બોલાવાઇ હતી. જોકે રેલવેના મરામત કામને લઇને બ્લોક લેવાયો હોવાયો હોવાની જાણ થતા આક્રોશભેર મુસાફરોએ અમદાવાદ પહોંચવાની અન્ય વ્યવસ્થા કરવા લાગ્યા હતા.જોકે આ મામલે રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, આપાતકાલીન સ્થિતિને લઈને હાથ ધરાયેલા સમારકામને કારણે છેલ્લી ઘડીએ ટ્રેનને રદ કરવાની ફરજ પડી હતી. અગાઉથી મુસાફરોને જાણ કરવામાં આવી ન હતી. નડિયાદથી અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને ભાડાનું રિફંડ ચૂકવી દેવામાં આવશે.