હનીટ્રેપમાં ફસાવી વેપારીઓ પાસેથી પૈસા પડાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાલમાં જ અમદાવાદ ગ્રામ્યની નળસરોવર પોલીસે હનીટ્રેપમાં અનેક લોકોને ફસાવી તોડ કરનાર ટોળકી પકડી પાડી હતી. તેવામાં રાજસ્થાનના રીયલ એસ્ટેટના વેપારીને એક યુવતીએ ફસાવી અમદાવાદમાં સાઈટ બતાવવાના બહાને નરોડામાં બોલાવ્યો હતો અને ત્યારબાદ હનીટ્રેપમાં ફસાવીને ડરાવી ધમકાવી રોકડ રુપિયા અને દાગીના સહિત 5 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો.
વેપારીનું અપહરણ કરી 50 લાખની માગણી કરી
વેપારીને જમીન બતાવવાનું કહીને અલગ અલગ જગ્યાઓ પર ફેરવી અંતે નર્મદા કેનાલ પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ ત્યાં અચાનક એક કારમાં 3 જેટલા શખ્સો આવ્યા અને યુવતીના પતિ તરીકેની ઓળખ આપી હતી અને ત્યારબાદ તે મારી પત્ની સાથે છેડતી કરી છે અને રેપ કર્યો છે તેમ કરી ડરાવી ધમકાવી તોડ કર્યો હતો. યુવતીએ પણ વેપારીને ફસાવવા વેપારીએ તેની સાથે દુષ્કર્મ કર્યો છે તેવુ જણાવી તમામ આરોપીઓ ભેગા મળી વેપારીનું અપહરણ કરી 50 લાખની માગણી કરી હતી, જે બાદ વેપારી પાસેથી એક લાખ રોકડા, સોનાની ચેઈન, વીંટી પડાવી લઈ દહેગામ હાઈવે પર ઉતારી ફરાર થઈ ગયા હતા.
ટોળકીએ અનેક લોકોને ભોગ બનાવ્યા
સમગ્ર મામલે વેપારીએ ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ સમગ્ર મામલે નરોડા પોલીસે આરોપીઓ સાથે ગુનામાં સામેલ જયરાજસિંહ બોરિચા નામના યુવકની ધરપકડ કરી છે, તેની સાથે આ ગુનામાં સામેલ મંગળુ ખાચર, વીજય ઉર્ફે ભીખો, શિતલ પટેલ ઉર્ફે હીના સહિત અન્ય એક યુવતી હતી. જેથી ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ટોળકીએ અનેક લોકોને ભોગ બનાવી છે, જેથી નરોડા પોલીસે અન્ય ભોગ બનનારની તપાસ હાથ ધરી છે.
પોલીસે લોકોને સર્તક રહેવા કરી અપીલ
હાલ તો પોલીસે એક આરોપીની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે સાથે આરોપીના મોબાઈલ ફોન FSLમાં મોકલી આ ટોળકી દ્વારા અન્ય પણ કોઈને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વેપારીઓ અને સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે લોકોએ પણ સતર્ક રહેવા પોલીસ દ્વારા જણાવાઈ રહ્યું છે.