શહેરના કાંકરિયા વિસ્તારમાં પુષ્પકુંજ સર્કલ પાસે આવેલા ગાંઠિયા રથમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા ગાંઠિયા સહિતની ચીજ વસ્તુઓ તળવા માટે જે તેલનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં ટીપીસીની માત્રા ચેકિંગ કરવામાં આવી હતી જે ખૂબ વધારે પ્રમાણમાં મળી આવેલ. બળેલું તેલ વાપરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું. કિચન વેસ્ટનો કોન્ટ્રાક્ટ પણ હતો નહીં જેના પગલે ફૂડ વિભાગની ટીમ દ્વારા તેને બંધ કરાવવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન બે દિવસમાં 104 ફૂડ સ્ટોલમાં તપાસ કરી ત્રણ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા છે. 66 નોટિસ આપી 26000 ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.
રૂ. 7.73 લાખ વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો હોટલો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરી નમુના લેવામાં આવતા હોય છે. નવરાત્રી દરમિયાન અનેક જગ્યાએ ખાણીપીણીના સ્ટોલ અને મીઠાઈનું વેચાણ વધુ થતું હોય ત્યારે 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં 448 ખાદ્ય એકમોની તપાસ કરી હતી. મીઠાઈના 34, દૂધ અને દૂધની બનાવટોના 10, ખાદ્ય તેલના 09, મસાલાના 02, બેસન – સોજીના 04 અને અન્ય 33 એમ કુલ 93 નમૂના લેવામાં આવ્યા છે. 177 જગ્યાને નોટિસ આપી છે. 228 કિલો અને 194 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નિકાલ કર્યો છે. રૂ. 7.73 લાખ વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે.