આયુર્વેદ અને હોમિયોપેથીમાં ખાલી પડેલી બેઠકોમાં પ્રવેશ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કટઓફમાં ઘટાડો કર્યા બાદ હવે પ્રવેશ મેળવી લીધો હોય એવા વિદ્યાર્થીઓને પ્રવેશ રદ કરવાની તક આપવામાં આવી છે. અત્યાર સુધીમાં પ્રથમવાર એવુ બનશે કે, જે વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોય તેઓને રદ કરવાની તક મળશે.
આવા વિદ્યાર્થીઓ આગામી તા.23મી નવેમ્બર સુધીમાં પ્રવેશ રદ કરાવી શકશે. હાલમાં હોમિયોપેથીક અને આયુર્વેદમાં 143 બેઠકો ખાલી પડી છે, જે સંખ્યામાં હજુ અંદાજે 50થી વધુનો ઉમેરો થવાની શક્યતા છે.આયુર્વેદની 239 અને હોમિયોપેથીની 260 મળી કુલ 499 બેઠક માટે પ્રવેશ સમિતી દ્વારા ચોથો રાઉન્ડ હાથ ધરવામાં આવ્યો હતો. ચોથા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશ ફાળવ્યા બાદ 143 વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરાવ્યો હતો. બીજી તરફ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા ખાલી બેઠકોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે અને બેઠકો ભરાય એ માટે પર્સન્ટાઇલમાં ઘટાડો કરી ઓપન-ઈડબલ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 35 પર્સન્ટાઇલ અને ST, SC, અને OBCના વિદ્યાર્થીઓ માટે 25 પર્સન્ટાઈલ કટઓફ કરાયું છે. આથી પ્રવેશ સમિતી દ્વારા ચોથા રાઉન્ડને લંબાવવામાં આવ્યો છે. ચોથા રાઉન્ડની લંબાવવાની કાર્યવાહી વચ્ચે ફરી કેન્દ્ર દ્વારા નવી એક ગાઈડલાઈન જારી કરી છે, જે મુજબ અત્યાર સુધીમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો હોય પણ રદ કરવવાની ઈચ્છા હોય એવા વિદ્યાર્થીઓને પ્રવેશ રદ કરાવવાની તક આપવામાં આવે. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ પ્રવેશ સમિતી દ્વારા આગામી તા.23મી સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ રદ કરવાની તક આપી છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ અંદાજે 20થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરાવવા માટે સમિતીમાં રજૂઆત પણ કરી છે. બીજી તરફ પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે એકપણ કોર્સના પ્રવેશમાં ભાગે લઈ શકશે નહીં.