AMC દ્વારા શહેરના ગોતા વોર્ડમાં દેવ સિટી નજીક રૂ. 50 કરોડથી વધુના ખર્ચે અંદાજે 25 હજાર ચો.મી. જગ્યામાં ‘લોટસ પાર્ક’ ડેવલપ કરાશે. ગોતા વોર્ડમાં TP-29માં FP- 4ના પ્લોટમાં ડેવલપ કરવામાં આવનાર લોટસ પાર્ક અથવા ગારલેન્ડ ઓફ ઈન્ડિયા (સંસ્કૃતમાં કૌસુમ)માં કમળના ફુલના સ્વરૂપમાં પ્રતિકાત્મક માળખું ઉભું કરાશે અને કમળની પાંદડીઓ- ટેબલેટમાં દેશના તમામ રાજ્યોના પ્રખ્યાત ફૂલોનું પ્રદર્શન કરાશે.
ભારતનું સૌથી પહેલું અને મોટું કમળ આકારનું પાર્ક બનાવવામાં આવશે. એક જગ્યાએ જ ભારતના તમામ રાજ્યના ફૂલોને નિહાળી શકાશે. દરેક પાંખડી ચોક્કસ રાજ્યના ફૂલનું પ્રદર્શન કરશે. આમ, વિવિધતામાં એકતાના વિચારને મજબૂત કરવા આ પ્રોજેક્ટ શહેરીજનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે અને એક ચોક્કસ જગ્યાએ દેશના તમામ રાજ્યોના ફૂલોની કલ્પના કરી શકશે. આ પાર્ક દોઢ વર્ષમાં તૈયાર કરાશે. જેના માટે કમિટીમાં રૂ. 20 કરોડની ફાળવણી સાથેની દરખાસ્ત મંજૂર કરાઈ છે.