નવી શિક્ષણનીતિના ભાગરૂપે શિક્ષકો માટે તબક્કાવાર તાલીમનું આયોજન કરાયું છે, પરંતુ GCERT દ્વારા શિક્ષકો માટેની આ તાલીમ આગામી ઓક્ટોબરમાં શરૂ થનારી શાળાકીય પરીક્ષાના સમયે જ ગોઠવી હોવાની ફરિયાદો ઊઠી છે.
આથી પરીક્ષા સમયે જે શિક્ષકોની તાલીમ ગોઠવવામાં આવી છે એમાં ફેરફાર કરવાની gcert ને રજૂઆત પણ થઈ છે.ઓક્ટોબરમાં પરીક્ષા શરૂ થાય છે અને ઓક્ટોબરના દિવસોમાં તાલિમ પણ ગોઠવાઈ હોવાનું જાણવા મળે છે. નવી શિક્ષણ નીતિને ધ્યાને રાખી રાજ્યની શાળાઓનો ધોરણ.3થી 12 માટેનું અભ્યાસક્રમ માળખું પણ ચાલુ વર્ષે તૈયાર થઈ રહ્યું છે. આગામી સમયમાં પાઠયપુસ્તકો, વર્ગખંડ પ્રક્રિયાઓ અને મૂલ્યાંકનમાં કેવા ફેરફાર થશે એનું માર્ગદર્શન આપવા માટે શિક્ષકોની તાલીમ આપવાનું આયોજન કરાયું હતું. જે અન્વયે GCERT દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાના ધોરણ.3થી 10ના શિક્ષકોની ગત તા.17 સપ્ટેમ્બરથી તબક્કાવાર તાલીમ શરૂ કરાઈ છે, જેમાં ઓક્ટોબર માસ દરમિયાન પણ વિવિધ ધોરણના શિક્ષકોની તાલીમ ગોઠવવામાં આવી છે. બીજી તરફ રાજ્યની શાળાઓમાં આગામી તા.14 ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. સ્કૂલોના આચાર્યો દ્વારા રજૂઆત કરાઈ છે કે, એક તરફ પૂરતા શિક્ષકો નથી અને જો તાલિમમાં શિક્ષકો જશે તો પરીક્ષા લેવી અને મૂલ્યાંકન કરવું મુશ્કેલ બનશે.