AMC દ્વારા શહેરના દાણીલીમડા વોર્ડમાં આવેલા ચંડોળા તળાવમાં નિયમિત સફાઈ નહીં કરવાને કારણે લીલ, વેલ, ઘાસ, તરતો કચરો, અને ગંદકી જોવા મળે છે અને તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.
ચંડોળા તળાવની આસપાસ મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે ડેન્ગ્યૂ, મેલેરિયા, ફાલ્સિપારમ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળો પણ વકરતો હોવાને પગલે AMC દ્વારા બે વર્ષ દરમિયાન રૂ. 89 લાખના ખર્ચે ચંડોળા તળાવી સફાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા કરોડોના ખર્ચે ચંડોળા તળાવની કાયાપલટ માટે કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હોવા છતાં ચંડોળા તળાવના રિનોવેશન પ્રોજેક્ટમાં જ ચંડોળા તળાવની સફાઈ કામગીરીનો સમાવેશ કરવાને બદલે રૂ. 89 લાખના ખર્ચે સફાઈ કરવામાં આવશે. આમ, ચંડોળા તળાવની સફાઈનો ખર્ચ ‘ખાતર પર દીવેલ’ સમાન હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ચંડોળા તળાવની સફઈ માટેના 89 લાખના કોન્ટ્રાક્ટરને મંજૂરી આપવામાં આવી છે. બે વર્ષ માટે સફઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે, છ મહિના માટે કામગીરી સોંપવામાં આવી છે. ત્યાર બાદ મ્યુનિસિપલ કમિશનર રીવ્યુ કરી અને સંતોષકારક કામગીરી હશે તો વધુ છ મહિના માટે તબક્કાવાર કામગીરી સોંપવામાં આવશે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવને રિડેવલોપમેન્ટ કરવા અંગેની મંજૂરી આપવામાં આવી છે. અલગ અલગ બે ફેઝમાં આખું ચંડોળા તળાવ નવું બનાવવાનું છે, ત્યારે ચંડોળા તળાવમાં મચ્છરો ન થાય અને મચ્છરજન્ય રોગો ન ફેલાય તેના માટે ચંડોળા તળાવને સફઈ કરવા માટેની વિવાદાસ્પદ દરખાસ્ત મેલેરિયા વિભાગના અધિકારી દ્વારા મૂકવામાં આવી હતી. ચંડોળા તળાવમાંથી તરતો કચરો/લીલ/વેલ તથા તળાવના ઢાળ ઉપરથી બીન જરૂરી વેઝિટેશન દૂર કરી મચ્છરજન્ય રોગ અટકાવવા માટે બે વર્ષ માટે સફઈ કરાશે. AMC દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ચંડોળા તળાવ રિડેવલપમેન્ટ કરાઈ રહ્યું છે, છતાં પણ તળાવ સફઈના નામે 89 લાખનો ખર્ચ કરવા અંગેની વિવાદ આસપાસ દરખાસ્ત આજે મળેલી સોલિડ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. આખું તળાવ રિડેવલોપમેન્ટ હોવા છતાં પણ પરંતુ ભાજપના નેતાઓ અને અધિકારીઓએ સફઈના નામે કોન્ટ્રાક્ટ આપી પ્રજાના પૈસા વેડફ્શે.