પીએમ-જેએવાય યોજનામાંથી નાણાં પડાવવા માટે અમદાવાદ સ્થિત કાર્તિક પટેલની ખ્યાતિ હોસ્પિટલે ઓપરેશનની જરૂર ન હોવા છતાં દર્દીઓની ચીરફાડ કરી નાખી હતી, આવું જ રેકેટ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં હજુ ચાલી રહ્યું છે,
પીએમ-જેએવાયમાં મોતિયાની સર્જરી પણ થાય છે, તબીબોના મતે ખાનગી હોસ્પિટલોમાં ખરેખર મોતિયાના ઓપરેશનની જરૂર ન હોય તેમ છતાં ઓપરેશન કરી દેવાય છે. સરકારી હોસ્પિટલોમાં તબીબોને એવા અનુભવ થયા છે કે, ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ કરાવીને જે તે દર્દી સરકારી હોસ્પિટલમાં તપાસ માટે કે પછી બીજો તબીબી અભિપ્રાય મેળવવા આવ્યા હોય પરંતુ જે તે કિસ્સામાં મોતિયાનું ઓપરેશન કરાવવાની જરૂર જ ન હોય તેવું સામે આવ્યું છે. આમ બીજો અભિપ્રાય લેવા નહિ ગયેલા સંખ્યાબંધ દર્દીઓની બારોબાર સર્જરી થઈ છે. એકંદરે પીએમ-જેએવાયનો ખાનગી હોસ્પિટલો ગેરલાભ ઉઠાવી રહી છે, આ દિશામાં તંત્રે કડકાઈ દાખવવાની જરૂર હોવાનો એક મત પ્રવર્તી રહ્યો છે.સૂત્રો કહે છે કે, કેટલીક ખાનગી હોસ્પિટલો પૈસા કમાવવા માટે ખોટી રીતે આંખોમાં સર્જરી કરે છે, મફતમાં સર્જરી થશે તેમ માની ગરીબ- મધ્યમ વર્ગના પરિવારો પણ આના માટે જલદી રાજી થઈ જાય છે. અલબત્ત, કોઈ હોસ્પિટલે આંખોના ઓપરેશનની સલાહ આપી હોય તો લોકોએ બીજા તબીબનો અભિપ્રાય લેવાનો આગ્રહ રાખવો જોઈએ. જરૂર ન હોવા છતાં મોતિયાના ઓપરેશન થતાં રોકવા માટે પીએમ-જેએવાય તંત્રે કડક પગલાં ભરવા જોઈએ. આરોગ્ય વિભાગના પીએમ-જેએવાય તંત્ર મા યોજનામાં કોઈ પણ પ્રકારની ગેરરિતી લાગે તો આધાર પુરાવા સાથે ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવા તેમજ ઈ-મેઈલ પર ફરિયાદ કરવાનો પ્રચાર કરીને જ સંતોષ માનતો હોય તેવી સ્થિતિ છે. કારણ કે ભૂતકાળમાં સંખ્યાબંધ કિસ્સામાં ગોલમાલ થયાની ફરિયાદો સામે આવી છે, જોકે જૂજ હોસ્પિટલો સામે જ પગલાં લેવાયા છે. પીએમ-જેએવાય યોજનામાં પગલાં લેવાયા હોય તેમ છતાં પાછળથી તંત્રે જે તે હોસ્પિટલોને રાહત આપી હોવાના કિસ્સા પણ જગજાહેર છે. હકીકતમાં દર્દીઓના જીવ સાથે ખિલવાડ ના થાય તે માટે તંત્રે કમર કસવાની જરૂર છે.
3 વર્ષમાં માંડ 3 હોસ્પિટલ PMJAYમાંથી ડી-એમ્પેનલ
એસજી હાઈવે સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં સારવારની જરૂર ન હોવા છતાં પૈસા કમાવવા માટે દર્દીઓને મોતના મુખમાં ધકેલવામાં આવતાં હતા, પીએમ-જેએ યોજનામાં નાણાં કમાવવા માટે આ ગોરખધંધા ચાલતાં હતા. બીજી તરફ ગુજરાતમાં પીએમજેએવાયમાં ત્રણ વર્ષમાં માંડ ત્રણ ખાનગી હોસ્પિટલોને ડિ-એમ્પેનલ કરાઇ છે. કોઈ હોસ્પિટલ પીએમજેએવાયમાં એમ્પેનલ તરીકે ના રહે તેવી સ્થિતિમાં જે તે કમિટી હોસ્પિટલનું મૂલ્યાંકન કરે છે અને જરૂર લાગે તો ફરી એમ્પેનલ કરે છે.
દર વર્ષે સરેરાશ સાત લાખ મોતિયાના ઓપરેશન
ગુજરાતમાં સરકારી કાર્યક્રમ હેઠળ છેલ્લા દાયકામાં દર વર્ષે સરેરાશ સાત લાખ જેટલા મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પ્રતિ 10 લાખ વસતિએ 10 હજારથી વધુ મોતિયાના ઓપરેશનનો દર છે.