રાજ્યની મેટ્રો સિટી અમદાવાદમાં જાહેરમાં થૂંકનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. જેના ભાગરૂપે હવે તંત્ર દ્વારા તમામ કવાયત કરી દેવાઈ છે. જે મુજબ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTVથી વાહનચાલકો પર નજર રાખવામાં આવી રહી છે. તેવામાં જાહેર રસ્તા પર થૂંકનાર સામે AMCએ લાલઆંખ કરી છે. હવે જાહેરમાં થૂંક્યા તો 10 ગણો દંડ ભરવો પડશે.
અમદાવાદમાં પાન-મસાલાના શોખીનો હવે ચેતી જજો. અમદાવાદમાં જાહેરમાં થૂંકનારને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાએ જાહેરમાં રસ્તા પર પાન-મસાલા ખાઈ થૂંકી ગંદકી ફેલાવતા લોકોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. જાહેર રસ્તા પર થૂંકનાર સામે AMCએ લાલઆંખ કરી છે. જો તમે જાહેરમાં થૂંક્યા તો 10 ગણો દંડ ભરવો પડશે. છેલ્લા 1 અઠવાડિયામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે અનેક લોકો સામે કાર્યાવહી કરી છે. જાહેર રોડ પર થૂંકનાર 623 લોકોને ઝડપી પાડીને 63,400નો દંડ ફટકાર્યો છે.
જાહેરમાં થૂંકનાર પર રખાશે બાજ નજર
શહેરના રસ્તા પર થૂંકનાર પર AMCના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી નજર રાખવામાં આવી રહી છે. જે બાદ મનપા આવા કેસોની વિગતો પોલીસને મોકલશે. અનેક સ્પિટિંગ કેસ આવ્યા છે જેને પોલીસને મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, જાહેરમાં થૂંકતા અને ગંદકી ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર માધ્યમથી પોલીસ વિભાગના વિવિધ જાહેર સ્થળો ઉપર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરીને જાહેર સ્થળ પર થૂંકતા લોકોની ઉપર નજર રાખી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.