અમદાવાદના વાડજ વિસ્તારમાં વૃદ્ધાની આંખોમાં મરચું નાખી લુંટના નિષ્ફળ પ્રયાસમાં વાડજ પોલીસે પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરી છે. લૂંટનું કાવતરું રચનાર પ્રેમિકાની મદદ કરવા માટે હવે પ્રેમીએ પણ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
વૃદ્ધાએ બૂમાબૂમ કરતા યુવતી ઘટનાસ્થળેથી ભાગી ગઈ
વાડજ પોલીસે બંને પ્રેમી પ્રેમિકાની લુંટના પ્રયાસના કેસમાં ધરપકડ કરી લીધી છે. આરોપી પ્રેમિકા રાખી ખાંટે વાડજ વિસ્તારમાં આવેલી શાંતિનગર સોસાયટીમાં રહેતા પરાગબેન શાહ નામના 73 વર્ષીય વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાંખી વૃદ્ધાને બાથરૂમમાં પૂરીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે વૃદ્ધાએ હિમ્મત અને સમય સૂચકતા દાખવી બૂમાબૂમ કરતા આરોપી રાખી ઘરમાંથી બહાર નીકળી પ્રેમી સાથે ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી. આ ઘટના બાદ વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પ્રેમી-પ્રેમિકાએ શાંતિપૂર્ણ જીવન જીવવા માટે લૂંટનું તરકટ રચ્યું
બંને આરોપીઓની પૂછપરછ કરતાં લૂંટ કરવાનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ લુંટના પ્રયાસના ગુનાની મુખ્ય સૂત્રધાર રાખીના છૂટાછેડા થયા બાદ તે ટેન્શનમાં હતી અને રૂપિયાની જરૂર હતી. છૂટાછેડા થયાના બીજા જ દિવસે 15 નવેમ્બરે તેણે તેના પ્રેમી યશ ભાવસાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા માટે લૂંટનું તરકટ રચ્યું હતું, જેના માટે રાખીએ તેના પ્રેમી સાથે લૂંટ કરવા જવા માટે મદદ લીધી હતી.
પોલીસે CCTVના આધારે આરોપીઓને ઝડપ્યા
પ્રેમી તેની પ્રેમિકા સાથે લૂંટ કરવા ગયો, ત્યારે તે એક્ટિવા લઈને ફલેટના નીચે ઊભો રહ્યો હતો અને રાખી ઉપર લૂંટ કરવા ગઈ હતી. જો કે ફરિયાદીએ બૂમાબૂમ કરતા બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે CCTV અને હ્યુમન ઈન્ટેલીજન્સ આધારે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રેમી-પ્રેમિકાના જેલની હવા ખાવાનો વારો આવ્યો
પ્રેમી સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા માટે લૂંટનું તરકટ રચનાર હવે શાંતિથી જીવન જીવવાના બદલે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે, ત્યારે વાડજ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી ભૂતકાળમાં આરોપીઓએ આવા ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.