AMC દ્વારા તા. 12 ઓક્ટોબર, 2024, દશેરાથી તા. 14 જાન્યુઆરી, 2025 ઉત્તરાયણ સુધી શોપીંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તા. 12 ઓક્ટોબરના રોજ સિંધુભવન રોડ ખાતે શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવવામાં આવશે. દુબઈ, સિંગાપુર, હોંગકોંગ તથા અન્ય દેશોમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. શોપિંગ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ ખરીદીના શોખીનો, ગ્રાહકો, કુશળ કારીગરો, વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે અને ગ્રાહકોને 15થી 50 ટકા ડિસ્કાઉન્ટ અપાશે. અંદાજે રૂ. 15થી રૂ. 16 કરોડના ખર્ચે યોજાનાર શોપિંગ ફેસ્ટિવલ માટે AMC અને સરકારી વિભાગો સંયુક્ત રીતે ખર્ચ ભોગવશે. સરાકરી વિભાગો પાસેથી ખર્ચ પેટે ગ્રાન્ટ મેળવવામાં આવશે. AMC અને ટુરિઝમ, સ્પોર્ટ્સ, સહિત સરકારના વિભાગો દ્વારા સંયુક્ત રીતે શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સિંધુભવન રોડ અને CG રોડ તેમજ પૂર્વ વિસ્તારમાં નિકોલ માર્કેટ અને કાંકરિયા ખાતે શોપિંગ ફેસ્ટિવલ યોજાશે.
સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણી અને DYMC મિરાંત પરીખે જણાવ્યું હતું કે, પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં બે- બે સ્થળે શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. જ્યાં સૌથી વધારે મોટું ખરીદીનું માર્કેટ છે એવા વિસ્તારમાં હવે સામેથી મ્યુનિસિપલ કોર્પોરેશન જઈ અને ત્યાં શોપિંગ ફેસ્ટિવલ કરી રહ્યું છે. સિંધુભવન રોડ, સીજી રોડ, નિકોલ માર્કેટ અને કાંકરિયા ખાતે યોજાશે. સાબરમતી રીવરફ્રન્ટ, માણેક ચોક, ગુર્જરી બજાર, લો ગાર્ડન, સાયન્સ સિટી, વસ્ત્રાપુર પ્રહલાદનગર રોડ તેમજ શહેરના વિવિધ શોપિંગ મોલને પણ શોપિંગ ફેસ્ટિવલમાં જોડવામાં આવશે. શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ લોકોના મનોરંજનના હેતુસર ડ્રોન શો, ફૂડ ઝોન, શોપિંગ અને આર્ટીઝન ઝોન, મ્યુઝિક અને કલ્ચરલ એક્ટિવીટી ઝોન, સ્પોર્ટસ ઝોન અને ગેમ ઝોન ઉભા કરવામાં આવશે. શોપિંગ ફેસ્ટિવલમાં ફૂડ ફેસ્ટિવલ, કાઈટ ફેસ્ટિવલ, બુક ફેર, કાંકરીયા કાર્નિવલ તથા ફ્લાવર શૉની ઉજવણીનો પણ સમાવેશ કરાશે. ગ્રાહકોને સારી અને ટકાઉ વસ્તુઓ ઓછા ભાવે મળી રહે તે માટે યોજાનાર શોપિંગ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને અન્ય લોકો જોડાય તે રીતનો પ્રયાસ કરવામાં આવશે