નારોલમાં છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી મહાલક્ષ્મી ફેબ્રિક કોટન મેન્યુ ફેક્ચરિંગ નામની કંપનીના પ્રિન્ટિંગ વિભાગમાં રિએકટર મશીનરીનું ટેસ્ટિગ કરતી વખતે સવારે 7.30 કલાકે આગ લાગી હતી.ચાદર બનાવતી કંપની હોવાથી અંદર પડેલા મટીરીયલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઘટનાના પગલે ફાયરબ્રિગેડની 19 ગાડીઓ સાથે 90 જવાનોના સ્ટાફે 8 ટીમો બનાવીને ચારે બાજુથી 4 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ફેકટરીની અંદર 25 વ્યક્તિઓ કામ કરી રહ્યા હતા જોકે, તેમણે સમયસૂચકતા વાપરીને બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી. આગનું કારણ જાણવા તપાસ કરવામાં આવી હતી. જોકે, સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ હોવાથી આગનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.
આગના ધૂમાડા બે કિમી દૂર સુધી દેખાયા
ફેકટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેના ધૂમાડા બે કિમી દૂર સુધી દેખાયા હતા. બીજી બાજુ લોકોના ટોળા આગ જોવા ઉમટી પડયો હતા. જેથી ફાયરબ્રિગેડના વાહનોને કંપની સુધી પહોંચવામાં સમસ્યા પહોંચી હતી. પોલીસને જાણ થતા જ પોલીસે તાત્કાલિક લોકોના ટોળાને દૂર કર્યા હતા.