ગુજરાતમાં ડ્રગ્સ પછી હવે નકલી નોટોનો પર્દાફાશ થઈ રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે નકલી નોટોનો કારોબાર સામે આવ્યો છે. અમદાવાદમાં સોલા પોલીસે રૂપિયા 500ની 247 નકલી નોટો સાથે 6 લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરતમાં પોલીસે રૂપિયા 200 અને રૂપિયા 500ની નકલી નોટો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને હવે અમદાવાદમાં નકલી નોટ સાથે 6 લોકોની અટકાયત કરવામાં આવી છે.
સોલા પોલીસે બાતમીના આધારે 6 આરોપીઓની ધરપકડ કરી
મધ્યપ્રદેશમાં રહેતા 6 આરોપીઓ મધ્યપ્રદેશમાંથી જ નકલી નોટ છાપીને અમદાવાદના ચાણક્યપુરી શાક માર્કેટમાં નકલી નોટોથી ખરીદી કરવા આવ્યા હતા. સોલા પોલીસે આરોપીઓ ખરીદી કરે તે પહેલાં જ તમામને ઝડપી પાડ્યા છે. સોલા પોલીસે બાતમીના આધારે ચાણક્યપુરી શાક માર્કેટમાંથી દીપક જાટવ, ઉમેશ જાટવ, વિકાસ જાટવ, ધર્મેન્દ્ર જાટવ અને ઋષિકેશ જાટવ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓની તપાસ દરમિયાન તેમની પાસેથી રૂપિયા 500ના દરની 247 નકલી નોટો મળી આવી હતી.
નકલી નોટ છાપીને આરોપીઓ અમદાવાદમાં વટાવવા માટે આવ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે, જેમાંથી ચાર આરોપીઓ મધ્યપ્રદેશમાં પોતાના વતન શીલોલીમાં સાધન સામગ્રી મેળવીને અલગ અલગ સ્થળોએ નકલી નોટો છાપતા હતા. નકલી નોટ છાપીને આરોપીઓ અમદાવાદમાં વટાવવા માટે આવ્યા હતા. હાલ તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મુખ્ય આરોપીને પકડવાની તજવીજ હાથ ધરાઈ
પોલીસ દ્વારા હાલ આ આરોપીના 12 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. આ નકલી નોટના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હાલ ફરાર છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને મુખ્ય આરોપીને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. આ આરોપીઓ દ્વારા આ પહેલા પણ 100 રૂપિયાની ચલણી નોટો છાપીને દિલ્હીમાં તેને વટાવી હતી. ત્યારે પોલીસે નકલી નોટો સાથે તેને બનાવવાનો સામાન અને નોટમાં ઉપયોગમાં લેવામાં આવતી ગ્રીન ટેપ સહિતના મુદ્દામાલને કબજે કરીને મુખ્ય આરોપીને પકડવાની કામગીરી શરૂ કરાઈ છે.