દિવાળીના તહેવારને લઇને અમદાવાદ પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓ અંગે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યુ છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે નરોડા પાટીયા, ચંડોળા તળાવ, શાહઆલમ, કુબેરનગર અને સરદારનગરમાંથી એક બે નહીં પરંતુ ગેરકાયદેસર રહેતા 48 બાંગ્લાદેશીઓને ઝડપી પાડયા છે.
પકડાયેલા શખ્સો 2થી લઇને 10 વર્ષ કરતા વધુ સમયથી અમદાવાદમાં રહેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, અગાઉ અનેક વખત સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધવા ડ્રાઇવ કરીને માત્ર બે ચાર શખ્સોને પકડીને સંતોષ માણી લેતા હતા. જેના કારણે આ બાંગ્લાદેશીઓએ બનાવટી દસ્તાવેજોના આધારે ભારતીય આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર સહિતના જરૂરી ડોક્યુમેન્ટ કઢાવ્યા છે. બીજી તરફ, 200 જેટલા શંકાસ્પદ શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ હાથધરી છે.
વસ્ત્રાલમાં ઑગસ્ટ માં સાગર મિલન મંડલ નામના પશ્વિમ બંગાળનો શખ્સ ભાડાના રૂમમાં બાંગ્લાદેશી બે સગીરાઓ અને તેની માતાને ગોંધી રાખીને શારિરીક શોષણ કરતો હતો. જેની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતાં દરોડા પાડીને બન્ને સગીરા, મહિલાનું રેસ્ક્યુ કરીને આરોપીની ધરપકડ કરી હતી. જેમાં સામે આવ્યુ કે, પિડીત સહિત ત્રણેય વ્યકિતને મહમંદકરીમ મંડલ અને ફારૂક નામના બન્ને બાંગ્લાદેશીઓ બોર્ડર ક્રોસ કરાવીને અમદાવાદ લાવ્યા હતા. આટલુ જ નહીં, આ બન્ને શખ્સોએ અત્યાર સુધીમાં 100થી વધુ શખ્સોને બાંગ્લાદેશથી અમદાવાદ લાવ્યાના પુરાવા પણ મળ્યા હતા. જો કે, સાગરની ધરપકડ પહેલા જ ફારૂકને ક્રાઇમ બ્રાન્ચે નકલી ડોક્યુમેન્ટ બનાવવાના કૌભાંડમાં ઝડપી પાડયો હતો. જેમાં ફારૂક પાસેથી અનેક બનાવટી ડોક્યુમેન્ટ મળ્યા હતા. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. હવે દિવાળીનો સમય આવતા ક્રાઇમ બ્રાન્ચે બાંગ્લાદેશીઓને શોધવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યુ છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચની પાંચ ટીમોએ શાહઆલમ, ચંડોળા તળાવ, નરોડા પાટીયા, સરદારનગર અને કુબેરનગરમાંથી 48 જેટલા બાંગ્લાદેશીઓને શોધી કાઢયા હતા.ઝડપાયેલા લોકોમાં 32 પુરૂષ, 8 મહિલા અને 6 સગીર છે. જ્યારે અન્ય 200 જેટલા શંકાસ્પદોની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ હાથધરી છે.