અમદાવાદના એસજી હાઈવે સ્થિત ખ્યાતિ હોસ્પિટલે પીએમ-જેએવાય યોજનામાંથી નાણાં પડાવવા માટે જરૂર ના હોવા છતાં સાત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી હતી, જે પૈકી બે દર્દીઓના મોત થતાં હોબાળો મચ્યો છે. આ વિવાદ વચ્ચે ગુજરાતમાં PMJAY ઉર્ફે મા યોજનામાં મોટા પાયે કટકી ચાલી રહી છે.
રાજ્યમાં 1.36 લાખ જેટલા મા કાર્ડમાં છેતરપિંડી આચરાયાનું સામે આવ્યું છે. શંકાસ્પદ મા કાર્ડના ફ્રોડ મુદ્દે મોડેલ સ્ટેટ ગુજરાત દેશમાં અવ્વલ નંબરે આવે છે. સારવારની જરૂર ન હોય તોય કેટલીક ખાનગી હોસ્પિટલો દર્દીના શરીર પર ચીરફાડ કરતા અચકાતી નથી.સામાન્ય રીતે પીએમજેએવાયમાં કોઈ શંકાસ્પદ લાભાર્થી હોય તો સિસ્ટમમાં ટ્રિગર એલર્ટ વાગે છે, મોબાઈલ નંબર જુદો હોય, જે તે લાભાર્થીનો ચહેરો મળતો ના આવે, પરિવારજનમાં એક જ લાભાર્થીના એક કરતાં વધુ મા કાર્ડ હોય, ખોટા લાભાર્થી હોય, એક દસ્તાવેજનો વધુ વખત ઉપયોગ વગેરે જેવા કિસ્સામાં સિસ્ટમમાં ટ્રીગર એલર્ટ મળતું હોય છે. શંકાસ્પદ કાર્ડના કેસમાં દેશમાં છેતરપિંડીના 40 ટકા જેટલા કેસ સામે આવ્યા હતા, જોકે ગુજરાતમાં 55 ટકા કિસ્સામાં છેતરપિંડી સામે આવી છે.
ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો બેડની કેપિસીટ કરતાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ બતાવીને નાણાં પડાવી રહી હોવાનો પણ ભાંડો ફૂટયો હતો, વર્ષ 2021ના અરસામાં તપાસ કરાઈ હતી, જેમાં ગુજરાતની 51 જેટલી હોસ્પિટલોના નામ ખૂલ્યા હતા, આમાં એપોલો સીબીસી કેન્સર, કરૂણા ટ્રસ્ટ, શંકુસ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ વગેરેના નામો સામે આવ્યા હતા.