ટેકાના ભાવે થઈ રહી છે મગફળીની ખરીદી
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે સવારથી જિલ્લામાં અલગ-અલગ મગફળી કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ આજે સવારે જામનગર જિલ્લાના ધ્રોલ માર્કેટીંગ યાર્ડ ખાતે અને બપોર બાદ હાપા યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી.
રાજ્યમાં 160થી વધુ કેન્દ્રો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરાઈ
મંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડુતો સાથે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ PSS અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં 160થી વધુ કેન્દ્રો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના ઉત્પાદનને ધ્યાને લઈ કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે કેન્દ્રીય નોડલ એજન્સીના માધ્યમથી ટેકાના ભાવે ખરીદીનું વિશેષ આયોજન કર્યું છે.
મંત્રીની સાથે માર્કેટિંગ યાર્ડના ચેરમેન, અગ્રણીઓ, ખેતીવાડી અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ચાલુ વર્ષ 2024-25 માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા. જે અનુસાર મગફળી રૂપિયા 6,783 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1356.60 પ્રતિ મણ), મગ રૂપિયા 8,682 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1736.40 પ્રતિ મણ), અડદ રૂપિયા 7,400 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1480 પ્રતિ મણ) તેમજ સોયાબિન રૂપિયા 4892 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 978.40 પ્રતિ મણ)ના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો પૈકી અત્યાર સુધી 1371 ખેડૂતોને ફોન કરીને મગફળીનું વેચાણ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. આ મુલાકાતમાં મંત્રીની સાથે માર્કેટિંગ યાર્ડના ચેરમેન, અગ્રણીઓ, ખેતીવાડી અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.