ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે મુંબઈ T20 ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઐયરની કપ્તાની હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ગત સિઝનમાં IPLનો ખિતાબ જીત્યો હતો અને તેથી જ MCAની પસંદગી સમિતિએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઐય્યરે ટીમની કમાન સંભાળવાનો અર્થ એ છે કે વર્તમાન રણજી ટ્રોફી સિઝનમાં મુંબઈની આગેવાની કરી રહેલ અજિંક્ય રહાણે ઐયરની કપ્તાની હેઠળ રમશે.
પૃથ્વી શોની થઈ વાપસી
પસંદગી સમિતિએ પૃથ્વી શોને પણ આ ટીમમાં સામેલ કર્યો છે, જેને રણજી ટ્રોફી મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો અને તેની ફિટનેસ સુધારવા માટે કહેવામાં આવ્યું હતું. MCA માને છે કે પૃથ્વી શોએ નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે અને તે સફેદ-બોલ ક્રિકેટમાં ઉપયોગી છે.
ઐયરના હાથમાં મુંબઈની કમાન
સૂત્રના જણાવ્યા અનુસાર ઐયર સૈયદ મુશ્તાક અલી માટે મુંબઈ T20 ટીમનું નેતૃત્વ કરશે અને ટીમમાં પૃથ્વી શોને પણ સામેલ કરવામાં આવ્યો છે. રહાણે ઐયરની કપ્તાની હેઠળ રમશે કારણ કે MCAને લાગે છે કે આ ફોર્મેટ માટે ઐયર યોગ્ય પસંદગી છે.
દુબે-મુશીરને ન મળ્યું સ્થાન
દરમિયાન, ઓલરાઉન્ડર શિવમ દુબે, મુશીર ખાન અને તુષાર દેશપાંડે હજુ પણ તેમની ઇજાઓમાંથી સંપૂર્ણ રીતે સાજા થયા નથી અને એ જ મુખ્ય કારણ છે કે MCAએ તેમને પસંદ કર્યા નથી. મુંબઈ તેની લીગ મેચોમાં ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, નાગાલેન્ડ, સર્વિસીસ અને આંધ્રપ્રદેશ સામે ટકરાશે.