– અદાણી સામે અમેરિકન કોર્ટમાં રજૂ થયેલા આરોપ, દસ્તાવેજી પુરાવા ‘દાળ કેટલી કાળી’ છે તે પુરવાર કરે છે
– ગૌતમ અદાણીએ માત્ર લાંચ નથી ચૂકવી પણ રોકાણકારો સાથે જુઠ્ઠું બોલ્યા છે, ભારતની રાજ્ય સરકારો ઉપર વીજળી ખરીદવા માટે સતત દબાણ કરવામાં આવ્યું છે એવું પણ અમેરિકન કોર્ટના દસ્તાવેજો અનુસાર ફલિત થાય છે
અમેરિકન કોર્ટમાં જસ્ટીસ ડિપાર્ટમેન્ટ અને બજાર નિયમનકાર સિક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને (એસઈસી) દાખલ કરેલી બે અરજીથી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિઓમાંથી એક એવા ગૌતમ અદાણીના સામ્રાજ્ય ઉપર ગેરરીતિ આચરવાના અને તેના કારણે તેમણે જેલની હવા ખાવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. જાન્યુઆરી ૨૦૨૩માં ગૌતમ અદાણી સામે અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગે કરેલા આક્ષેપ અને કોર્ટમાં રજૂ થયેલા આરોપ વચ્ચે બહુ મોટો તફાવત છે. એ આક્ષેપો સામે સેબીની નબળી તપાસના આધારે ગૌતમ અદાણીને નિર્દોષ છૂટી જવામાં સફળતા મળી હતી. પણ આ વખતે વિશ્વની સૌથી કઠોર કાયદાવ્યવસ્થા સામે અમેરિકામાં પોતે નિર્દોષ હોવાનું સર્ટિફીકેટ મેળવવાનું છે.