દારૂના નશામાં અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારમાં જાહેર રોડ ઉપર પસાર થતાં વાહન ચાલકની હત્યા કરનાર આરોપીની રામોલ પોલીસે ધરપકડ કરી છે, ત્યારે જાણો કોણ છે આ આરોપી અને શા માટે વાહન ચાલકની હત્યા કરી હતી.
આરોપી અચાનક તેની પાસે રહેલી છરી લઈ વાહન ચાલકને મારવા દોડ્યો
રામોલ પોલીસે હત્યા કરનારા આરોપી અક્ષય પટેલ ઉર્ફે ભુરિયોની ધરપકડ કરી છે. જેની હત્યાના ગુનામાં ધરપકડ થઈ છે. શુક્રવારે મોડી સાંજે આરોપી અક્ષય પટેલ શકરીબાઈ એસ્ટેટ પાસેથી રોડ ક્રોસ કરતો હતો તે દરમિયાન સામેથી આવી રહેલા એક્ટિવા એ અચાનક બ્રેક મારી હતી. તે જોઈને આરોપીએ અચાનક તેની પાસે રહેલી છરી લઈ વાહન ચાલકને મારવા દોડ્યો હતો. જોકે વાહન ચાલક એકટીવા મૂકીને ફરાર થઈ ગયો હતો, પરંતુ તેની પાછળ બેસેલા મૃતક રાજેશ રાઠોડ કોઈ કારણસર ભાગી શક્યો નહોતો જેના કારણે આરોપીએ મૃતકને પકડી તેના પગના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા.
આ કૃત્યથી આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો
આરોપીના આ કૃત્યથી વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જેના કારણે ઈજાગ્રસ્ત યુવકની મદદ માટે કોઈ નહોતું આવ્યું અને ઘટનાસ્થળે જ મૃતક યુવકનું ખૂબ લોહી વહી જવાના કારણે મોત થયું હતું અને હોસ્પિટલમાં લઈ ગયા બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આરોપી અક્ષય પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીની ગુનાહિત માનસિકતાને રોકવા માટે ભૂતકાળમાં CTM વિસ્તારના સ્થાનિકોએ લડત ચલાવી હતી. ભૂતકાળમાં પણ તેણે સીટીએમ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે ગુનાહિત કૃત્ય આચરેલા છે. જે બદલ રામોલ પોલીસ સ્ટેશનમાં આરોપી અક્ષય સામે અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
આરોપીને અગાઉ 4 વખત થઈ ચૂકી છે પાસા
આ સાથે જ આરોપી માથાભારે હોવાના કારણે તેને ચારથી વધુ વખત પાસા પણ થઈ ચૂકી છે. આરોપી થોડા દિવસો પહેલા જ પાસાની સજા પૂર્ણ કર્યા બાદ બહાર આવ્યો હતો અને તેણે આ કૃત્ય આચર્યું છે, જેના કારણે હવે ફરી એકવાર આરોપીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. હાલ તો રામોલ પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી છે. સાથે જ આરોપી અને મૃતક બંને એકબીજાના પરિચયમાં નહોતા, ત્યારે હત્યા કરવા પાછળ તેનો શું ઈરાદો હતો તે બાબતે વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડના લેવાની તજવીજ રામોલ પોલીસે હાથ ધરી છે.