સુરતમાં ત્યજી દેવાયલ નવજાત બાળકી આવી. પાંડેસરા સ્થિત ખાડી પાસે સ્થાનિકોને ખુલ્લામાં પડેલ નવજાત બાળકી મળી. નવજાતને લઈને સ્થાનિક મહિલાઓ સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ. પરંતુ ત્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
મહિલાઓને મળી બાળકી
શહેરના પાંડેસરા વિસ્તારમાં નવજાત બાળકી મળી આવી. ખુલ્લા વિસ્તારમાં નવજાત બાળકી હતી ત્યાં ઉપર બહુ બધા પક્ષીઓ ફરતા હતા. આકાશમાં પક્ષીઓનો આટલો બધો જમાવડો જોતા સ્થાનિક મહિલાઓ ત્યાં દોડી આવી. અને જોયું તો ત્યાં નવજાત બાળકી હતી. મહિલાઓ તાત્કાલિક બાળકીને લઈ સિવિલ હોસ્પિટલ પંહોચી. પરંતુ ફરજ પર હાજર તબીબઓએ બાળકી ને મૃત જાહેર કરી.
પોલીસ કરશે તપાસ
આખરે સવાલ એ થાય કે આવી કડકડતી ઠંડીમાં બાળકીને કોણ અને કેમ ત્યાં મૂકી ગયું? બાળકીને જન્મ આપનાર માતાની એવી તો શી મજબૂરી હશે ? કચરામાં મળેલ લાવારીસ બાળકીને કોણ ક્યારે મૂકી ગયું તે તપાસનો વિષય છે. કોણ કુમાતા છે જે પોતાની બાળકીને ભરશિયાળાની ઠંડી રાતમાં ખુલ્લામાં મૂકી ગઈ. પોલીસ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરતા આસપાસના સીસીટીવી ચેક કરશે.
નવજાત બાળક ત્યજવાના વધ્યા કિસ્સા
રાજ્યમાં નવજાત બાળકને ત્યજી દેવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. આધુનિક બનવાની હોડમાં માનવતા વિસરાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અખબારમાં અને મીડિયામાં અવાર-નવાર નવજાતને ત્યજી દેવાના સમાચાર વધ્યા છે. કોઈ ખુલ્લામાં છોડી દે છે તો કયારેક કોઈ બોકસમાં કે પેટીમાં નવજાત મળી આવે છે. કેટલાક સંજોગોમાં નવજાતને બચાવવામાં સફળતા મળે છે તો કયારેક સારવારના અભાવે મૃત્યુ પામે છે.ખાસ કરીને નવજાત બાળકીને ત્યજવાના વધુ કિસ્સા છે.આજે આપણે જ્યારે ચંદ્ર પર પંહોચ્યા છીએ અને મહિલાઓ વધુ સારી પ્રગતિ કરી રહી હોવા છતાં પણ સમાજમાં બાળકી સાથે ઓરમાયું વર્તન કરાય છે. કેટલાક સમાજમાં માતા-પિતા માટે આજે પણ દિકરીઓને ભાર માનવામાં આવે છે. આજે AI જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા છતાં પણ નવજાત બાળકને અન્યાય કરવામાં આવે છે.