અમદાવાદ જિલ્લા પંચાયતમાં કેટલાક ભાગમાં વધતી ઉધઇ માથાનો દુઃખાવો બની ગઇ છે. આશ્ચર્યની વાતે એ છે.
જે અધિકારીઓની ચેમ્બરમાં ઉધઇનો ત્રાસ છે. તેમાં કોઇ સુધારો કરાતો નથી. પરંતુ વર્તમાન ટર્મને દોઢ વર્ષ બાકી છે, ત્યારે ઉધઇના નામે સત્તાપક્ષના કેટલાક ચેરમેન પોતાની ચેમ્બર મોટી કરીને સ્વભંડોળમાંથી લાખો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા હોવાથી વિવાદ સર્જાયો છે. ચેરમેનો મોટી ચેમ્બરનો મોહ રાખીને સ્વભંડોળમાંથી નાણાંનો બિનજરુરી વ્યય કરતાં હોવાની ભાજપ મોવડી મંડળ સુધી રજૂઆતો થઇ છે.
જિલ્લા પંચાયતમાં ઓબ્ઝર્વના કારણે પ્રથમ ટર્મમાં સ્વભંડોળમાંથી બિનજરૂરી ખર્ચ કરવામાં સંકોચ રહેતો હતો. પરંતુ ઓબ્ઝર્વની હાજરી ઘટી જતાં બીજી ટર્મમાં કેટલાક ચેરમેનોએ આડેધડ ખર્ચ કરવાનું શરુ કરી દેતા વિવાદ સર્જાયો છે. વિપક્ષ સહિત સત્તાપક્ષના કેટલાક સભ્યોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ચેમ્બરમાં સુધારો-વધારો માન્ય છે. પરંતુ ચેમ્બર મોટી કરવા પાછળ લાખોનો ધુમાડો યોગ્ય નથી. પ્રમુખની ચેમ્બરમાં ઉધઇ આવી ગઇ છે. પણ તેઓ માત્ર સુધારો-વધારો કરવાનો આગ્રહ રાખે છે. આવી શીખ સભ્યોને આપતા નથી અથવા તો હોદ્દેદારો પ્રમુખના કહ્યામાં નથી. તાજેતરમાં ખરીદાયેલી ખુરશીઓ પણ સડી રહી છે. દોઢ વર્ષ બાકી છે, ત્યારે બિનજરુરી ખર્ચ યોગ્ય નહીં હોવાનું કેટલાક સભ્યો પણ સ્વિકારે છે.
બિલ્ડિંગ જર્જરિત થતાં RNBના તત્કાલીન અધિકારી સામે રોષ
અગાઉ જિલ્લા પંચાયતના બિલ્ડીંગ પાછળ અંદાજે પાંચ કરોડથી વધુ ખર્ચ કરાયો હતો. ખર્ચને બેથી ત્રણ વર્ષ થયા છે. ત્યારે ફરી બિલ્ડીંગમાં પોપડા ઉખડી ગયા છે. કેટલાક ઠેકાણે છતમાંથી પાણી પડે છે. જિલ્લા પંચાયતના RNBના તત્કાલિન અધિકારીએ કોઇ ધ્યાન આપ્યું નહીં હોવાનો કર્મચારીઓ જ રોષ ઠાલવી રહ્યા છે. હાલ સાત માળના બિલ્ડીંગમાં ગમે ત્યારે સ્લેબ તુટવાનો કર્મચારીઓને ડર રહે છે. જેની સામે અનદેખી કરી જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો પોતાની ચેમ્બર બનાવવામાં વ્યસ્ત છે.