સુરતમાં શ્વાનોના આતંક યથાવત જોવા મળી રહ્યો છે. પાલિકાની કામગીરી માત્ર કાગળ પર જ હોય તે રીતે હજીરા કવાસમાં 9 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. જેમાં રમતા બાળકના હાથ અને ખભાના ભાગે બચકાં ભરી લીધા હતાં. આસપાસમાં રહેલા સ્થાનિકોએ તાત્કાલિક બાળક પાસે દોડી જઈને શ્વાનના જડબાંમાથી મુક્ત કરાવ્યો હતો. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો.
શરીરના અનેક ભાગે ટાંકા લેવા પડ્યા
9 વર્ષીય બાળકની સારવાર કરતાં ડૉ. આરતીએ બાળકની સ્થિતિ વિશે કહ્યું કે, ધોરણ-4માં ભણતા મયુર રાજુભાઈ મેડાને 9 વાગ્યે સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તે SPCL કંપની પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે. તે ઝૂંપડપટ્ટીની નજીક જ રમતા-રમતા વોશરુમ માટે ગયો ને અહીં રખડતા શ્વાને તેને બચકા ભર્યા. આ હુમલામાં તેને ગળાના ભાગે, પીઠ અને હાથ પર ઘા લાગ્યા છે. હાલ આ ઘા પર ટાંકા લગાવ્યા છે ને તેની સારવાર ચાલી રહી છે.
શ્વાનની ચુંગાલમાં રહેલા બાળક પર લોકોનું ધ્યાન પડતાં જ તુરંત મયુર પાસે દોડી ગયા હતા. બાળકને શ્વાનના જડબાંમાંથી છોડાવ્યો હતો. ગંભીર ઈજાઓના કારણે 108 મારફતે તુરંત જ તેને સિવિલ લાવવામાં આવ્યો હતો. બાઈટ ગંભીર હોવાના કારણે તાત્કાલિક તેની પ્રાથમિક સારવાર હાથ ધરીને તેને ઈન્જેક્શન આપવામાં આવ્યું છે ને હજુ પણ તેની સારવાર ચાલુ છે. મયુરના પિતા રાજુભાઈ મેડા મજૂરીનું કામ કરે છે ને આ હૃદયદ્રાવક ઘટનાના કારણે હજુ પણ આઘાતમાં છે.