મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન માટે દાખલ થયેલા પૂજારીના પેટમાં એપેન્ડિક્સની જગ્યાએ ગાંઠ મળી આવી હતી.આ ગાંઠ ખોલતા તેમાંથી એક રૂપિયાનો સિક્કો નીકળ્યો હતો.
ઓપરેશન થકી આ એક રૂપિયાનો સિક્કો બહાર કાઢી પૂજારીને દર્દથી મુકત કરવામાં આવ્યા હતા.આ સિક્કો કેવી રીતે દર્દીના પેટમાં પહોંચ્યો અને ક્યારે પહોંચ્યો તેનાથી પણ તે ખુદ અજાણ છે, ત્યારે જવલ્લે જ જોવા મળતી આ પ્રકારની ઘટનાને લઈ સિવલના કર્મચારીઓ સહિત તબીબો અચરજમાં મુકાયા હતા.
ભાન્ડુ ગામના મંદિરના પૂજારી અને મૂળ હરિદ્વાર ઉત્તર પ્રદેશના જીગ્નેશભારતીને છેલ્લા બે વર્ષથી પેટમાં દુખાવો રહેતો હોય તેમણે ચારથી વધુ ડોકટરો પાસે તપાસ કરાવી હતી.જેમાં તેમને એપેન્ડિક્સ હોવાનું અને ઓપરેશનની સલાહ આપવામાં આવતી હતી.
તાજેતરમાં પૂજારીને દુખાવો વધુ રહેતા મહેસાણા સિવિલમાં નિદાન માટે પહોંચ્યા હતા. તબીબે તેમની તપાસ કરતા તેમને પણ એપેન્ડિક્સના લક્ષણો જણાયા હતા, ત્યારે તબીબે એક્સરે કરાવવાની સલાહ આપી હતી. જોકે સિવિલનું એક્સરે મશિન ખરાબ હોય તેમણે ખાનગી હોસ્પિટલમા એક્સરે કરાવ્યો હતો.જેમા દર્દી પૂજારીના પેટમાં એપેન્ડિક્સની ગાંઠ હોવાનુ તારણ આવ્યું હતું. જેથી ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી. જેમાં સિવિલના સર્જન ડો.રાજવી શુક્લા અને ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું.
આ ઓપરેશનમાં એપેન્ડિક્સની જગ્યા પર ગાંઠ મળી આવી હતી.જોકે એપેન્ડિક્સનો ભાગ જોવા મળ્યો ન હતો.ત્યારે તે ગાંઠ ખોલતા તેમાંથી 1 રૂપિયાનો સિક્કો નીકળ્યો હતો.આ ઓપરેશન બાદ પૂજારીની તબીયત સાથે પેટનો દુખાવો પણ દૂર થયો હતો, તો હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ એક-બે દિવસમાં દર્દીને રજા પણ આપી દેવામાં આવશે. આ ઘટનાને લઈ ઓપરેશનમાં જોડાયેલ તબીબ સહિત સ્ટાફ્ આચરજમાં પડયો હતો. કારણ કે પૂજારીના પેટમાં ક્યારે અને કેવી રીતે એક રૂપિયાનો સિક્કો પહોંચ્યો તે ખુદ અજાણ હતા.
લેપ્રોટોમી કરતા આંતરડાના ભાગે શંકાસ્પદ ધાતુ હોવાનું જોવા મળ્યું
આ અંગે મહેસાણા સિવિલના એએચએ વિશાલ ચૌધરીના જણાવ્યા મુજબ દર્દી પૂજારીના પેટમા દુખાવો હોય અને લક્ષણ પણ એપેન્ડીક્ષ જેવા હોવાથી એપેન્ડિક્સનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.જોકે દર્દીની લેપ્રોટોમી કરતા આંતરડાના શરૂઆતના ભાગમાં શંકાસ્પદ ધાતુ હોવાનું જણાઈ આવેલ હતું.જેને તબીબો દ્વારા ભારે જહેમત બાદ બહાર નીકાળતા રૂ.1 નો સિક્કો જણાઈ આવેલ હતો.જેને સાવચેતી પૂર્વક બહાર કાઢીને દર્દીની સારવાર પૂર્ણ કરવામાં આવી હતી.હાલમાં દર્દીની તબિયત ઘણી સારી છે.
એકનો સિક્કો બહાર કાઢીને પૂજારીને દર્દમાંથી મુક્ત કર્યા
આ અંગે મહેસાણા જિલ્લા મુખ્ય તબીબી અધિકારી તેમજ સિવિલ સર્જન ડૉ.ગોપીબેન પટેલના જણાવ્યા મુજબ ભાન્ડુ મંદિરના પૂજારીને એપેન્ડિક્સ જેવા જ લક્ષણો હોય તબીબો દ્વારા એપેન્ડિક્સનું ઓપરેશનની સલાહ આપવામાં આવતી હતી.જોકે સિવિલમાં ઓપરેશન થતાં જાણવા મળ્યું કે એપેન્ડિક્સની જગ્યા પરથી નીકળેલી ગાંઠમાં એક રૂપિયો હતો, જોકે સિવિલના તબીબોએ ભારે જહેમત બાદ ગાંઠ બહાર કાઢી તેમા રહેલ રૂપિયાનો સિક્કો બહાર કાઢીને પુજારીને દર્દમાંથી મુક્ત કર્યા હતા.