જામનગર કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની 35 કરોડની ઉઘરાણી પેટે રેલ્વેની 10 મિલ્કતોનો સાંકેતિક કબ્જો મેળવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ શહેરમાં બાંધકામ તોડતી એસ્ટેટ શાખા પાસે કામ લેવાને બદલે મનપાએ પોતાની જ જુની ઇમારત તોડવા ટેન્ડર બહાર પાડતા ક્યારે કોપોરેશન આર્થિક રીતે સધ્ધર થશે તેવી ચર્ચા ઉઠી છે.
નવુ બિલ્ડીંગ બનીને થશે તૈયાર
જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં રૂ. 8 કરોડના ખર્ચે બે માળનું નવું જનરલ બોર્ડના બિલ્ડીંગનું કામ માર્ચ-ર023થી શરુ થયું છે. જે માર્ચ-2025 સુધીમાં પુરું થવા ધારણા છે. બે માળમાં 50થી વધુ લોકો સમાઈ શકે તેવું વિશાળ ડાયસ સહિત 140ની બેઠક ક્ષમતા ધરાવતા જનરલ બોર્ડનો મીટીંગ હોલ બાલ્કની સાથે બની રહ્યો છે.આ બિલ્ડીંગમાં ઓફીસ, વિઆઈપી વેઈટીંગ, વીડીયો કોન્ફરન્સીંગ માટે અને સેમીનાર હોલ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા મીટીંગ હોલ, ઓફીસ, બે લીફ્ટ સહિતની સગવડતા ઉભી કરવામાં આવ્યા બાદ આગામી મહિનાઓમાં આ સ્થળે જનરલ બોર્ડની કાર્યવાહી સહિતની મીટીંગો યોજાતી રહેશે.
રાજાશાહી વખતનું છે બિલ્ડીંગ
આ ઈમારત બનીને કાર્યરત થાય તે પહેલા રાજાશાહીના સમયમાં 1925-30 દરમિયાન બનેલી રેલ્વે પાર્સલ બુકીંગ ઓફીસની જગ્યામાં લોકશાહીની સ્થાપના બાદથી જામનગર નગરપાલિકા અને મહાનગરપાલિકાની કચેરી બેસવા લાગી હતી. આ ઈમારત બાદમાં જર્જરિત થતાં તંત્રએ નવું બિલ્ડીંગ બનાવીને આ ઈમારતનો ઉપયોગ બંધ કર્યો હતો. હાલ આ ઈમારતમાં એસ્ટેટ શાખા અને શિક્ષણ શાખા તરીકે બે રૂમનો ઉપયોગ ચાલુ છે. કોર્પોરેશન પાસે ડિમોલીશન માટે એસ્ટેટ શાખા મોજુદ હોવા છતાં આ ઈમારતો તોડવા બહાર પડાયેલા ટેન્ડરથી આશ્વર્ય સર્જાયું છે.
કોર્પોરેશનની આર્થિક સ્થિતિ નબળી !
જામનગર મહાનગરપાલિકા દ્રારા રેલ તંત્ર પાસેના બાકી મિલ્કતવેરાના રૂ. 35 કરોડની ઉઘરાણી પેટે શહેરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન, હાપા રેલ્વે સ્ટેશન, ઈજનેર ઓફીસ, આસીસ્ટન્ટ ડિવીઝનલ એન્જીનિયર બંગલો સહિતની કુલ 10 મિલ્કતોનો સાંકેતિક કબ્જો લેવાની કાર્યવાહી કરી છે. જે પેટે મહાનગરપાલિકાના તંત્રએ જાહેર જનતાને જાણ કરતી નોટીસ પણ બહાર પાડવામાં આવી છે. સૌરાષ્ટ્રનું પેરિસ એટલે કે જામનગર જામનગરમાં આમ તો વિકાસના કામના નામે અનેકો આયોજનોની જાહેરાતો કરવામાં આવે છે અને કામો પણ થતા હોય છે. બીજી બાજુ જામનગર મહાનગર પાલિકાની આર્થિક સ્થિતિ ક્યારેક ડામડોળ હોય ક્યારેક કર્મચારીઓના પગાર ચૂકવવામાં પણ સાંસા પડતા હોય છે. ભૂતકાળમાં જામ્યુકોની તિજોરી તળિયા જાટક થતાં ગ્રાન્ટ આધારિત આ મહાનગર પાલિકા કોર્પોરેશનના પ્લોટ વહેંચીને તિજોરીમાં આવક જમા કરી હતી. ત્યારે કોપોરેશન તેની આર્થિક સ્થિતિ ક્યારે સુધરશે તે જોવાનું રહ્યું.