મહાકુંભ 2025 દેશની વિરાસત અને વિકાસના વિઝનનું સૌથી મોટું ઉદાહરણ બની રહ્યો છે. એક બાજુ મહાકુંભ વિશ્વની પ્રાચીનતમ સનાતન પરંપરાઓનો વાહક છે તો બીજી બાજુ તે આધુનિક ટેક્નોલોજી સાથે જોડાઈને વિકાસનું પ્રમાણ પણ બની રહ્યો છે.
આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે આગામી વર્ષે યોજાનારો મહાકુંભ, જે AI અને ચેટબોટ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી શ્રદ્ધાળુઓને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. મહાકુંભ 2025માં પહેલી વખત AI જનરેટિવ ચેટબોટ ‘Kumbh Sah AI yak’ (કુંભ સહાયક) વિકસિત કરવામાં આવી રહ્યું છે, જે ભાષિણી એપની મદદથી ગુજરાતી સહિત દસથી વધુ ભાષાઓમાં શ્રદ્ધાળુઓને મહાકુંભ સાથે સંકળાયેલી તમામ માહિતી ઉપલબ્ધ કરાવશે. આ ચેટબોટ ગૂગલ નેવિગેશન, ઈન્ટરેક્ટિવ કન્વર્ઝેશન તેમજ વ્યક્તિગત GIFની સુવિધાઓથી સજ્જ હશે.
ચેટબોટ આપશે મહાકુંભ સાથે સંકળાયેલી તમામ માહિતી
એડિશનલ ફેર ઓફિસર વિવેક ચતુર્વેદીએ જણાવ્યું કે મહાકુંભમાં પહેલીવાર ‘કુંભ સહાયક’ નામક ચેટબોટ વિકસિત કરવામાં આવી રહ્યું છે, જે વિશ્વની અત્યાધુનિક ટેક્નોલોજી જનરેટિવ AI આધારિત છે. આ ચેટબોટ મહાકુંભ 2025 એપ અથવા વ્હોટ્સએપ દ્વારા સંચાલિકત થશે. મહાકુંભ દરમિયાન આ ચેટબોટ તમારા વ્યક્તિગત માર્ગદર્શક તરીકે કાર્ય કરશે.
ચેટબોટ ભાષિણી એપના માધ્યમથી ગુજરાતી, હિંદી, અંગ્રેજી સહિત 10થી વધુ ભાષાઓમાં મહાકુંભ સાથે સંકળાયેલી તમામ જરૂરી માહિતીઓ પ્રદાન કરશે. આ ચેટબોટ શ્રદ્ધાળુઓને લખીને અથવા બોલીને, બંને રીતે ઇન્ટરેક્ટિવ કન્વર્ઝેશન એટલે કે અરસપરસ વાતચીતના માધ્યમથી મહાકુંભનો ઇતિહાસ, પરંપરા સહિત સાધુ, સંન્યાસી, અખાડા, સ્નાન માટેના ઘાટ, તિથિઓ, રસ્તાઓ, પાર્કિંગ સ્થળો, રાતવાસો કરવા માટેના સ્થળો વગેરે જેવી તમામ માહિતીઓ પ્રદાન કરશે.
વ્યક્તિગત માર્ગદર્શક બનશે કુંભ સહાયક
કુંભ સહાયક ચેટબોટ ગૂગલ નેવિગેશનની સુવિધા પણ પ્રદાન કરશે, જેના માધ્યમથી મહાકુંભ વિસ્તારમાં સેક્ટર, અખાડા, કલ્પવાસના ટેન્ટ, સ્નાનઘાટના રસ્તાઓનું નેવિગેશન પણ મળી શકશે. આ ચેટબોટ મહાકુંભ વિસ્તાર ઉપરાંત પ્રયાગરાજ શહેરના મુખ્ય દાર્શનિક સ્થળો, મંદિરો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડના રસ્તાઓ પણ બતાવશે. ઉપરાંત, તે મહાકુંભમાં થનારા વિવિધ આયોજનોની જાણકારી પણ સમય-સમય પર આપતું રહેશે.
ચેટબોટ સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત ટુર-ટ્રાવેલ યાત્રા પેકેજ અને હોટલો તેમજ હોમસ્ટેના નામ અને સરનામાની પણ જાણકારી આપશે. આમ, કુંભ સહાયક ચેટબોટ મહાકુંભ દરમિયાન તમારા વ્યક્તિગત માર્ગદર્શક તરીકે કાર્ય કરશે. વ્યક્તિગત GIF દ્વારા તે તમારી સાથે વાતચીત પણ કરશે. આ ચેટબોટ દેશના વિવિધ ખૂણેથી આવતા અને વિવિધ ભાષાઓ બોલતા નાગરિકો તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ વિશેષ સુવિધા પૂરી પાડશે. આમ, આ ચેટબોટ સીએમ યોગીના સરળ અને સુરક્ષિત મહાકુંભના લક્ષ્યને સાકાર કરવામાં સહાય સાબિત થશે.