કેન્સર એક જીવલેણ રોગ છે જેના દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન ખૂબ જ વધી રહી છે. કેન્સરના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ જીવલેણ રોગની સારવાર જ નહીં પણ તેનું પરીક્ષણ પણ એટલું જ ખર્ચાળ છે. હવે એક સારા સમાચાર આવ્યા છે કે, કેન્સરના પરીક્ષણનો માર્ગ સરળ બનાવશે.
કેન્સરનુ પરિક્ષણ હવે ફ્રેગલ નામના નવા અને સ્માર્ટ AI ટૂલની મદદથી આ શક્ય બન્યું છે. તે સિંગાપોરના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ટૂલ લોહીમાં છુપાયેલા કેન્સરના ચિહ્નો શોધવામાં મદદ કરે છે. ફ્રેગલ ખૂબ જ ઝડપથી અને ઓછા ખર્ચે કામ કરે છે.
ફ્રેગલ કેવી રીતે કામ કરે?
તમારા લોહીમાં DNAના નાના ટુકડાઓ હોય છે. જો કોઈને કેન્સર હોય તો ગાંઠના કારણે ctDNA નામના DNAના કેટલાક ટુકડા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. ફ્રેગલ તેમની લંબાઈ જુએ છે અને ઓળખે છે કે તેમાં કેન્સર ડીએનએ છે કે નહીં. આ વૈજ્ઞાનિકો પાણીમાં વાયરસ શોધીને કોવિડને કેવી રીતે શોધી કાઢતા હતા તેના જેવું જ છે. તેવી જ રીતે, ફ્રેગલ લોહીમાં કેન્સરની હાજરી તપાસે છે.
આ ટેસ્ટ કેમ ખાસ?
આ ટેસ્ટ અન્ય તમામ કેન્સર ટેસ્ટની સરખામણીમાં ખૂબ જ સસ્તો છે. આ ટેસ્ટ કરાવવા માટે લગભગ 3000 રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે જૂના પરીક્ષણોનો ખર્ચ 60,000 રૂપિયા સુધીનો હોય છે. આ પરીક્ષણ કરવા માટે માત્ર થોડી માત્રામાં લોહીની જરૂર પડે છે. તેનો વારંવાર ઉપયોગ કરી શકાય છે જેથી ડોક્ટર ઝડપથી સમજી શકે કે દર્દીને જે સારવાર આપી રહ્યા છે તે કામ કરી રહી છે કે નહીં.
ફ્રેગલ દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક
ફ્રેગલ દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તે બતાવે છે કે સારવાર અસરકારક છે કે નહીં. તે પણ સરળતાથી જોઈ શકાય છે કે કેન્સર પાછું આવી રહ્યું છે કે નહીં. દર્દી વધુ ખર્ચ અને પીડા વિના નિયમિત તપાસ કરાવી શકે છે અને તેને વધારે પૈસા ખર્ચવા પણ પડતા નથી. હાલમાં તેનો ઉપયોગ સિંગાપોરમાં થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, દર બે મહિને સિંગાપોરમાં 100 થી વધુ કેન્સરના દર્દીઓ પર તેનો ઉપયોગ થઈ રહ્યો છે.હાલમાં આ પરીક્ષણોની તપાસ કરી રહ્યા છે કે ctDNA કેવી રીતે બદલાઈ રહ્યું છે અને દર્દીઓના શરીર સારવાર પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ભવિષ્યનું આયોજન શું છે?
સંશોધકો ઈચ્છે છે કે ભવિષ્યમાં આ AI ટૂલનો ઉપયોગ બધી હોસ્પિટલોમાં થાય જેથી દર્દીઓની વધુ સારી રીતે સંભાળ રાખી શકાય. આ પ્રોજેક્ટના વડા ડો. વાન યુ કહે છે કે, ‘અમે ફ્રેગલ વિશે ખૂબ જ ઉત્સાહિત છીએ. આનાથી સારવાર સસ્તી અને સરળ બનશે અને તે વિશ્વભરના કેન્સરના દર્દીઓને મદદ કરી શકે છે.’