આરોગ્ય મંત્રીના હસ્તે વડનગર તાલુકાના ત્રાંસવાડ ગામે મનરેગા યોજના અંતર્ગત રૂ.17 લાખના ખર્ચે નવ નિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ ગ્રાન્ટના થયેલા રૂ.97.43 લાખના વિવિધ વિકાસ કામો પણ લોકાર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સાંસદ સભ્ય સહિત આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ત્રાંસવાડમા અંબાજી સંસ્થાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,ગામડાઓમાં શહેરની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે સરકાર સક્રિય છે.વર્ષ 2027 સુધીમાં ભાગ્યે જ વિકાસનું એવું કામ હશે,જે ત્રાંસવાડ ખાતે કરાયું નહીં હોય.આ તકે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, છેવાડાના અને ગ્રામ્ય સ્તરના ગામોમાં નાગરિકોની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા માટે સરકાર સંકલ્પબધ્ધ છે. મનરેગા યોજના અંતર્ગત ગ્રામ પંચાયતો વિકાસ પામી રહી છે.તેમાં ત્રાંસવાડ ગ્રામ પંચાયત સર્વપ્રથમ છે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે મનરેગા યોજના અંતર્ગત ગ્રામ સચિવાલયનું ગ્રામ પંચાયત બન્યું છે.જેમાં સંપૂર્ણ સુવિધાઓ છે તે બાબતને બિરદાવી હતી અને મનરેગા યોજના અંતર્ગત 80 ગામો પૈકી પ્રથમ આ ગ્રામ પંચાયતનું લોકાર્પણ આરોગ્ય મંત્રીએ કર્યું છે,એ બાબતે ગ્રામજનોને અભિનંદન પાઠવા હતા.તેમણે આ તકે પંચાયત ઘરમાં ઈ- સરકારથી આંગળીના ટેરવે વિકાસ કામો થઈ રહ્યા છે.તેમજ ગ્રામ પંચાયતોના ખાતામાં સીધી વિકાસ ગ્રાન્ટો જમા થતા વિકાસકામો ઝડપી અને સમયસર થઈ રહ્યા છે.એમ જણાવ્યું હતુ.આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે,સરકાર દ્વારા સાર્વત્રિક વિકાસ થઈ રહ્યો છે.તેમજ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત આ પ્રથમ ગ્રામ પંચાયત છે જેનું લોકાર્પણ સર્વપ્રથમ કરવામાં આવ્યું છે.આ તકે પૂર્વ સરપંચ અને ગામના અગ્રણી ગોપાલભાઈ પટેલનું મંત્રીના હસ્તે પ્રમાણપત્ર આપીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. તેમજ મહિલાદિનના ઉપલક્ષમાં ત્રણ સખી મંડળોને પ્રત્યેકને રૂ.3 લાખનો ચેક આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ,ઇન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હર્ષનિધીબેન શાહ,તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા આરોગ્ય અધિકારી તેમજ ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.