ઉનાળાની શરૂઆત સાથે જ ભુજમાં પીવાના પાણીની સમસ્યા વિકટ સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. શહેરમાં ઉનાળામાં ટેન્કર રાજ જોવા મળે છે. એક બાજુ પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય, બીજી બાજુ કોંગ્રેસે ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી ચિંતા વ્યક્ત કરી છે.
પાલિકાનો પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો
કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં બારેમાસ ટેન્કર રાજ જોવા મળે છે. શહેરના અનેક વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. દર વર્ષે ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. ઉનાળાને લઈને પાલિકાએ આગોતરું આયોજન કરીને પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો છે.
પાલિકા હસ્તકના 12 જેટલા પાણીના બોરમાંથી 7 જેટલા બોર ચાલુ હાલતમાં
ભુજ શહેરમાં 55 એમએલડી દૈનિક પાણીની જરૂરિયાત છે, તેની સામે નર્મદાનું દરરોજ 45 એમએલડી જેટલું પાણી મળી રહ્યું છે. જ્યારે પાલિકા હસ્તકના 12 જેટલા પાણીના બોરમાંથી 7 જેટલા બોર ચાલુ હાલતમાં છે. ઉનાળામાં પાણીની સમસ્યાને પહોંચી વળવા પાલિકા દ્વારા બંધ પડેલા પાંચ બોરને ચાલુ કરવા માટેનું આયોજન હાથ ધર્યું છે. જેના કારણે આગામી દિવાસોમાં ભુજમાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવો દાવો પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પાલિકા સામે પાણી ચોરીનો ગંભીર આરોપ મૂક્યો છે. ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીનું કહેવું છે કે શહેરને નર્મદાનું પાણી પૂરતા પ્રમાણ મળી રહ્યું છે. પરંતુ પાલિકા ઔદ્યોગિક એકમો તેમજ હોટલમાં પાણી વેચી રહી છે, જેના કારણે ભુજ શહેરમાં પાણીની સમસ્યા સર્જાય છે.
પાણીનો પોકાર ઉઠે તેવા એંધાણ
ભુજ શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા આધારીત છે, જેના કારણે અવાર નવાર નર્મદાનું પાણી સપ્લાય બંધ થવાના કારણે શહેરમાં વિકટ પાણીની સમસ્યા સર્જાય છે. જેના કારણે ઉનાળામાં ભુજમાં ટેન્કર રાજ જોવા મળે છે. ભુજ પાલિકા દ્વારા અત્યારથી જ પાણીની વિતરણ વ્યવસ્થા નહીં ગોઠવવામાં આવે તો પાણીનો પોકાર ઉઠે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.