34 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
34 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતઅમદાવાદક્ષત્રિય સમાજની માગ: પાટીદાર બાદ હવે અમારા કેસ પણ પરત ખેંચો

ક્ષત્રિય સમાજની માગ: પાટીદાર બાદ હવે અમારા કેસ પણ પરત ખેંચો

અમદાવાદ: રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના લોકો સામે થયેલા કેસો પૈકીના કેટલાક કેસ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પરત લેવામાં આવ્યા છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા પણ પદ્માવત ફિલ્મ સમયે અને અસ્મિતા આંદોલન સમયે થયેલા કેસો પરત લેવાની માગ કરી છે. ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી સહિતના નેતાઓને પત્ર લખી કેસો પરત લેવાની માગ કરવામાં આવી છે.

ક્ષત્રિય સમાજનો વિરોધ:

સંકલન સમિતિ દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, ભૂતકાળમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલન (2014), અને પદ્માવત ફિલ્મ (2018)ના વિરોધમાં ગુજરાતભરના ગામેગામ અને શહેરોમાંથી સ્વયંભૂ સામાજીક આંદોલન માટે ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનોએ વિરોધ નોંધાવ્યો હતો. સમાજના દરેક વ્યક્તિની લાગણી દુભાયેલી હોવાથી, વિરોધ પ્રદર્શિત કરતી વખતે કાયદાની રાહે વિરોધ કરતા હતા તે વખતે આ સાથે સામેલ દર્શાવેલી વિગતો અને તે ઉપરાંત અન્ય કેસો રાજપૂત સમાજના યુવાનો ઉપર દાખલ થયા છે.

સમાજના આંદોલનો દરમિયાન પોલીસ કેસ:

રાજપૂત સંકલન સમિતિના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ 10 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું. મુલાકાત દરમિયાન આ મુદ્દાની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ રાજપૂત સમાજ અને અન્ય સમાજોના આંદોલનો દરમિયાન થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવશે એવી ખાતરી આપી હતી. પદ્માવત ફિલ્મ વિરોધ પ્રદર્શનમાં થયેલા પોલીસ કેસ પરત ખેંચવા માટે ગુજરાત સરકાર દ્વારા 2019માં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવા છતાં આજદિન સુધી આ બાબતે કોઈપણ પ્રકારે અમલ થયો નથી.

પોલીસ કેસો પાછા ખેંચવા સમગ્ર સમાજની લાગણી:

તાજેતરમાં પાટીદાર સમાજના આંદોલન સમયના ગંભીર કેસોમાં સરકાર દ્વારા પોલીસ કેસો કર્યા હતા. જે તમામ પોલીસ કેસો સરકારે વિશાળ મન રાખી પાછા ખેંચ્યા છે. જેથી રાજપૂત સમાજના આંદોલનોમાં થયેલા પોલીસ કેસો પાછા ખેંચવા સમગ્ર સમાજની લાગણી છે. જેથી રાજપૂત સમાજની લાગણીને ધ્યાનમાં રાખી ક્ષત્રિય અસ્મિતા આંદોલન અને પદ્માવત ફિલ્મના વિરોધમાં થયેલા સામાજીક આંદોલનના પોલીસ કેસો પરત ખેચવાની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તેવી માગ કરાઈ છે.

રમજુભા જાડેજા, મુખ્ય સંકલનકર્તા, રાજપૂત એક્તા કેન્દ્ર ગાંધીનગર

મુખ્યમંત્રીના અંગત મદદનીશને પત્ર આપવામાં આવ્યો:

ક્ષત્રિય સમાજ પર થયેલા અલગ અલગ કેસોની પ્રાપ્ત માહિતી સાથે વિગત વાર કેસ નંબર, પોલીસ સ્ટેશન, કઈ કલમ વગેરે સાથે મુખ્યમંત્રીના અંગત મદદનીશને પત્ર રૂબરુમાં આપવામાં આવ્યો છે. તેમજ અન્ય મંત્રીઓની કચેરીમાં પણ રુબરુ આપવા આવ્યા છે. 2019માં સામાજીક આગેવાનોના પ્રયાસોથી તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પદ્માવતના કેસો પરત લેવા સરકાર દ્વારા પણ અંગત રસ લઈ પરિપત્ર જાહેર કર્યો હતો. 2 કેસ અમદાવાદના પૂરા પણ થઈ ગયા છે. બાકીના કેસ માટે કોઈ કારણોસર કાર્યવાહી થઈ નથી તો તેની પણ વિગતો આપવામાં આવી છે. અસ્મિતા આંદોલનમાં કુલ 3 કેસ અલગ અલગ જિલ્લામાં થયેલા છે એની પણ વિગતો આપવામાં આવી છે.

હવે જોવાનું એ રહેશે કે સરકાર ક્ષત્રિય સમાજની આ માગ પર શું નિર્ણય લે છે.

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય