ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં મોટી કાર્યવાહી કરાઈ છે જેમાં એક વર્ષમાં 265થી વધુ અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે,362 ટનથી વધુ અખાદ્ય વસ્તુઓના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે,જેમાં 10 કરોડની કિંમતનો જથ્થો નાશ કરાયો છે.ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા આગામી દિવસોમાં પણ રેડ યથાવત રાખવામાં આવશે અને જે વેપારીઓ ભેળસેળ કરીને માલ વેચે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
5 ડિસેમ્બર 2024ના રોજ નકલી ઘી ઝડપાયું
રાજ્યનાં નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ બન્યું છે તેમજ ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ચડોતરમાં આવેલી ઉત્પાદક પેઢી મે. જલારામ એન્ટરપ્રાઇઝ ખાતે રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન આશરે 89 કિલોગ્રામ અમૂલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી તથા ૫૩ કિલોગ્રામ જેટલો વેજીટેબલ ફેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
12 ડિસેમ્બર 2024ના રોજ નકલી પનીર ઝડપી પાડયું
બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જી.આઇ.ડી.સી. સ્થિત આલીયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુકત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ના હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ, નોન ફૂડ ગ્રેટ એસિટિક એસિડનો પનીર બનાવવા ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું.