ભુજ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. ત્યારે ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશને મુખ્યમંત્રીને પત્ર લખી ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.
આસપાસના ગામડાઓનો સમાવેશ કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માગ
કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ભુજ શહેરનો વિસ્તાર અને વ્યાપ સતત વધી રહ્યો છે. તેવામાં ભુજ મહાનગર બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. ભુજ શહેરના આસપાસના ગામડાઓનો સમાવેશ કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માગ ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી કરી છે.
ભૂકંપ પહેલા ભુજ માત્ર 6 કિલોમીટર વિસ્તારમાં હતું
2001ના ભૂકંપ પહેલા ભુજ માત્ર 6 કિલોમીટર વિસ્તારમાં હતું, આજે શહેરનો વિસ્તાર વધીને 56 કિલોમીટર જેટલો થયો છે. હાલ પાલિકા હોવાના કારણે શહેરમાં અનેક સમસ્યા ઉભી થઈ છે. ત્યારે મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માગ ઉઠી છે. આજે ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે. દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ ભુજની મુલાકાતે આવી રહ્યા છે. મહાનગર પાલિકાનો દરજ્જો મળે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વધુ ગ્રાન્ટ મળે જેના કારણે શહેરનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે તેમ છે.
શહેરનો વધુ સારી રીતે વિકાસ થાય તે માટે કરી માગ
રાજ્ય સરકારે અગાઉ ગાંધીનગર અને જુનાગઢને ખાસ કિસ્સામાં મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. ભુજને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માગ વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. આગામી બજેટમાં સમાવેશ કરી ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે. હાલમાં ભુજ શહેર અનેક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તેવામાં ભુજને મહાનગરનો દરજ્જો મળે તો શહેરનો વધુ સારી રીતે વિકાસ થઈ શકે તેમ છે.