24 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagarમાં રાજભવન ખાતે રાજયપાલની હાજરીમાં વિવિધ રાજયોના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

Gandhinagarમાં રાજભવન ખાતે રાજયપાલની હાજરીમાં વિવિધ રાજયોના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જીવનમાં સુખનો સૌથી મોટો આધાર શાંતિ છે અને શાંતિનો આધાર છે એકતા. જે સમાજ, પરિવાર અને દેશના લોકોમાં એકતા હોય, એકબીજાના સુખના સાથી બને, એકબીજાની ભાવનાનું સન્માન કરે અને એકબીજા સાથે હળી-મળીને રહે તે સમાજ હંમેશા સુખપૂર્વક વિકાસ અને ઉન્નતિ કરે છે.

વિવિધ રાજયના લોકો રહ્યાં હાજર

રાજભવનમાં મહર્ષિ દયાનંદ સભામંડપમાં આસામ, દીવ, દમણ, દાદરા-નગર હવેલી, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય ગૃહ મંત્રીઅમિતભાઈ શાહે દેશના લોકો વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ખાન-પાન, પહેરવેશ, ભાષા અને બોલીથી પરિચિત થાય તેમજ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ના વિઝનને વ્યવહારિક સ્વરૂપ મળે તે માટે દેશના તમામ રાજભવનમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં તે રાજ્યમાં રહેતા અન્ય રાજ્યના નાગરિકો સહભાગી બને છે.

તમામ લોકો એક તાંતણે બંધાય એવી ભાવના

રાજયપાલે ઉમેર્યું કે, તમામ રાજ્યોની સાંસ્કૃતિક પરંપરા, સંગીત, ભાષા, બોલી ભિન્ન છે. તમામ લોકો એકતાના તાંતણે બંધાઈને, પરસ્પર ભાઈચારાથી રહીએ અને સમર્પણભાવથી એકબીજાના થઈએ તો ખૂબ સુંદર સમાજનું નિર્માણ કરી શકીએ, જ્યાં કોઈ તણાવ, ઝઘડો કે અંતર ના હોય.ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાત-દિવસ પૂર્ણ સમર્પણ સાથે કામ કરીને આપણા દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના રૂપમાં આગળ ધપાવવા માંગે છે. સમગ્ર દેશના યુવાઓ, મહિલાઓ અને તમામ લોકો તેમાં સહકાર આપે તે જરૂરી છે. આપણા સૌમાં એકતાનો ભાવ, પરસ્પર ભાઈચારો અને એકબીજાના સહયોગનો ભાવ રહેશે તો આપણે આ લક્ષને નિશ્ચિતપણે પ્રાપ્ત કરી શકીશું.

સાંસ્કૃતિક પરંપરાઓને જીવિત રાખો

રાજયપાલે હર્ષની લાગણી વ્યક્ત કરતાં ઉમેર્યું કે, દરેક પ્રાંતના યુવાન કલાકારોએ તેમની સાંસ્કૃતિક પરંપરાઓનું ખૂબ સુંદર પ્રદર્શન કરીને પરંપરાને જીવંત રાખી છે. અંતે સૌ યુવાનોએ ગુજરાતી ગીતમાં સામૂહિક પ્રસ્તુતિ કરીને આપણા વિવિધતામાં એકતાના ભાવને પ્રદર્શિત કર્યો છે અને આ જ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની સુંદર અભિવ્યક્તિ છે.રાજયપાલે વધુમાં જણાવ્યું કે, જે દેશ પોતાની સાંસ્કૃતિક પરંપરાઓને જીવિત રાખે છે, પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રેમ કરે છે, તે હંમેશા અમર બની જાય છે, અને આવનારી પેઢીઓ માટે પ્રેરણા બને છે. દેશને વિશ્વગુરુ બનાવીને સમૃદ્ધ અને વિકસિત ભારતના રૂપમાં આગળ ધપાવતા રાજયપાલે યુવાનોને અપીલ કરી હતી.

વિધાર્થીઓ પણ રહ્યાં હાજર

મેઘાલયના રાજ્યપાલ ચંદ્રશેખર એચ. વિજયશંકર અને ત્રિપુરાના રાજ્યપાલ એન. ઇન્દ્રસેન રેડ્ડીએ મેઘાલય અને ત્રિપુરાના સ્થાપના દિવસ નિમિત્તે વિડીયો સંદેશો મોકલ્યો હતો. આ કાર્યક્રમમાં આ બંને રાજ્યોના રાજ્યપાલોના શુભકામના સંદેશ પણ દર્શાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ કોલેજોમાં ભણતા જે તે રાજ્યોના યુવાન વિદ્યાર્થી કલાકારો દ્વારા પોતાના રાજ્યોના ગીતો અને સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયપાલના હસ્તે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનાર યુવાન કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લેડી ગવર્નર દર્શનાદેવીજી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ, રાજયપાલના અગ્ર સચિવ અશોક શર્મા, ભારતીય સેના-સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગુજરાતમાં વસતા આ રાજ્યોના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય