ગંભીર પ્રકારના ગણાતા ગુનાઓમાં કન્વિક્શન રેટ વધારવા માટે રાજ્ય સરકારે તાજેતરમાં પાયટોલ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગરની જિલ્લા સરકારી કચેરીઓમાં પેરવી ઓફિસરની નિમણૂંક કરી હતી. આ ઓફિસર કેસ બોર્ડ પર આવે ત્યારે સાક્ષીઓને કેસના સમર્થનમાં કેવી રીતે જુબાની આપવાથી લઇને પોલીસ તપાસમાં કોઇ રેકર્ડ ખુટતા હોય તો તે અંગે તપાસનીસ અધિકારીને જાણ કરીને પુરતા ડોક્યુમેન્ટ મેળવવા સહિતની મહત્વની ભૂમિકા ભજવે છે.
કોઇપણ અપરાધીને સજા અપાવવા માટે આ પેરવી ઓફિસરની સરકારી વકિલ જેટલી જ મહત્વની ભુમિકા રહે છે. જોકે, ગાંધીનગરમાં છેલ્લા એક માસથી પેરવી ઓફિસરની જગ્યા રિન્યુ કરવામાં આવી નથી. જેના કારણે ગંભીર ગુના ધરાવતા કેસો પર તેની વ્યાપક અસર પડી રહી છે. કોર્ટમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં કેટલીકવાર આરોપીઓ પુરાવાના અભાવે અને સાક્ષીઓની કેટલીક જુબાની આપવામાં થતી ભુલના કારણે છુટી જવાના કિસ્સા બનતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં તપાસનીસ અધિકારીની ભુલ પણ આરોપીઓને મોકળુ મેદાન આપતી હોય છે. આ સ્થિતીમાં કેસમાં કન્વિક્શન રેટમાં ઘટાડો થાય છે. આરોપીઓને તેઓએ કરેલા ગુનાઓની સજા મળે અને કન્વિક્શન રેટ વધે તે માટે સરકારે અમદાવાદ ગાધીનગર જિલ્લામાં જિલ્લા સરકારી વકિલની કચેરીમાં પેરવી ઓફિસરની નિમણૂંક કરવાનો નિર્ણય લીધો હતો. આ પેરવી ઓફિસર નિવૃત્ત પોલીસ સબ ઇન્સપેક્ટર અને પોલીસ ઇન્સપેક્ટર કક્ષાના હોય છે. ગાંધીનગર જિલ્લા કોર્ટમાં પણ પેરવી ઓફિસરની નિમણૂંક કરવામાં આવી હતી. આ નિમણૂંક 11 મહિનાના કરાર આધારીત કરાય છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા આ નિમણૂંક કરવામાં આવે છે. જેને દર વર્ષે રિન્યુ કરવાની હોય છે. પરંતુ સીઆઇડી ક્રાઇમ દ્વારા ગાંધીનગરના પેરવી ઓફિસરનો 11 મહિનાનો સમય પુર્ણ થયાને એક માસ જેટલો સમય થયો હોવા છતા આજદિન સુધી પેરવી ઓફિસરના પુનઃ નિમણૂંકના આદેશો કરવામાં આવ્યા નથી. જેના કારણે ગાંધીનગર કોર્ટમાં ચાલતા ગંભીર પ્રકારના કેસો પર તેની અસર પડી રહી છે. ઉલ્લેખનીય છેકે, પેરવી ઓફિસર સેસન્સ કોર્ટમાં ચાલતા કેસોમાં સાક્ષીઓ વગેરેને કોર્ટ સમક્ષ રૂબરૂ કેવી રીતે જુબાની આપવી તેની સમજ આપે છે. આ ઉપરાંત સરકારી વકિલ અને પોલીસ મથક વચ્ચેની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કોર્ટ કેસમાં દરેક સ્ટેજ પર કઇ કઇ ખુટતી કડી છે તેને લઇને તપાસનીસ અધિકારીની તપાસમાં જો કોઇ ક્ષતી હોય તો તે સુધરાવવાથી લઇને તે અંતર્ગત કાગળો કોર્ટ સમક્ષ રજુ કરાવવામાં મહત્વની ભુમિકા ભજવે છે. ગત વર્ષે પણ પેરવી ઓફિસરનો 11 મહિનાનો કરાર પુર્ણ થયા બાદ પુનઃ નિમણૂંકન આદેશો આપવા માટે બે માસ જેટલો સમય થયો હતો. ત્યારે ગાંધીનગર કોર્ટમાં કન્વિક્શન રેટ વધારવા માટે પેરવી ઓફિસરની વહેલી તકે પુનઃ નિમણૂંકના આદેશો અપાય તે અત્યંત જરૂરી બન્યુ છે.