સુરતના સરથાણા વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ સ્મિત જીયાણી નામના યુવકે પોતાની પત્ની અને પુત્રને ગળું કાપીને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ પોતાના માતા પિતાના પણ ગળા કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સ્મિતે પોતાને પણ ઇજાઓ પહોંચાડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સ્મિતે આજરોજ ફરી ટોયલેટમાં ઘૂસી કાચ વડે પોતાનું ગળું કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો.
સ્મિતને ડિસ્ચાર્જ આપવાની જાણ થતાં ઇજા પહોંચાડી
પત્ની અને પુત્રના હત્યારા સ્મિત જીયાણીને છેલ્લા ચાર દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ દરમિયાન સરથાણા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી નિવેદન નોંધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે સ્મિતની તબિયત સ્થિર હોવા છતાં પણ તે પોલીસની તપાસમાં સહકાર ન આપીને નાટક કરી રહ્યો છે. દરમિયાન આજે સ્મિતને ડોક્ટરો દ્વારા એકદમ સ્વસ્થ હોવાનું જણાવી ડિસ્ચાર્જ આપવાની શક્યતા હતી. આ અંગે સ્મિતને પણ જાણ થઈ ગઈ હતી.
હોસ્પિટલમાં જઈ કાંચથી ગળું કાપી નાખ્યું
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસ ધરપકડ કરશે તેવી જાણ થતા સ્મિત દ્વારા આજે ફરી એકવાર આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્મિતને છેલ્લા ચાર દિવસથી સારવાર આપવામાં આવી રહી હતી. દરમિયાન આજે જવાનું કહ્યું હતું. જે દરમિયાન તેણે ટોઇલેટ લઈ જવાનું કહ્યું હતું. તેથી તેને પોલીસ કર્મીઓ ટોઇલેટ સુધી લઈ ગયા હતા. બંને પોલીસ કર્મીઓ બહાર હતા ત્યારે સ્મિતે ટોયલેટમાં અંદર ઘૂસી પાળીના રહેલા કાચ વડે પોતાનું ગળું કાપી નાખ્યું હતું. આ અંગે જાણ થતા પોલીસ કર્મીઓ દ્વારા તાત્કાલિક તેને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
માતા હજુ પણ ICUમાં સારવાર હેઠળ
હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે સ્મિત દ્વારા કાચથી ગળું કાપવામાં આવ્યું છે. ગળા પર થોડો ઊંડો ઘા લાગ્યો છે. જોકે તેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ તો તેને સારવાર આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલમાં માતા અને પિતા બંનેની પણ સારવાર કરવામાં આવી રહી હતી. પિતાની સ્થિતિ સારી થતા રજા આપી દેવામાં આવી છે. જ્યારે માતાની હાલત હજુ પણ ગંભીર હોવાથી ICUમાં સારવાર હેઠળ છે.
શું હતી ઘટનાની વિગત?
27 ડિસેમ્બરને શુક્રવારે વહેલી સવારે, જ્યારે પરિવારના સભ્યો સૂતા હતા, ત્યારે આરોપી સ્મિતે રસોડામાં રાખેલા ચાકુથી પહેલા પોતાની પત્ની અને પછી પુત્ર પર હુમલો કર્યો, જેના પરિણામે બંનેનું મોત થયું હતું. ત્યારબાદ તે પોતાની માતા અને પિતા પર પણ હુમલો કરવા પહોંચ્યો. ગળા પર ચાકુના ઘા ઝીંકવાથી માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. માતા ઘરની બહાર નીકળી પાડોશીઓને બોલાવ્યા, જેના કારણે પાડોશીઓ એકત્રિત થયા અને 108 એમ્બ્યુલન્સની મદદથી તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ આરોપીએ આત્મહત્યા કરવાના નાટક સાથે પોતાની ઈજાઓને બતાવવાનું નાટક કર્યું હતું.