સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. શહેરમાં જાણે કે કોઈને પોલીસ અને કાયદાનો ડર જ ના હોય તેવું લાગી રહ્યું છે. સુરતના પલસાણામાં જાહેરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની છે. એક્સ આર્મીમેનના પુત્રએ જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે.
દ્વારકેશ સોસાયટીમાં રમવા બાબતે થઈ બબાલ
પલસાણા તાલુકાના ટૂંડી ગામે દ્વારકેશ સોસાયટીમાં ફાયરિંગની ઘટના બની છે અને આ અંધાધૂંધ ગોળીબારમાં 4 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં 2 મહિલા અને 2 પુરૂષને ઈજા પહોંચી છે. દ્વારકેશ સોસાયટીમાં રમવાની સામાન્ય બાબતે બબાલ થઈ હતી. જેમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા એક્સ આર્મી મેનના પુત્રએ કેટલાક લોકો પર ફાયરિંગ કર્યું છે. TSS સિક્યુરિટી એજન્સી એક્સ આર્મી મેન ચલાવે છે. ત્યારે ગોળીબારીની ઘટનામાં 4 લોકો ઘાયલ થતાં તેમને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જે પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરિંગની સમગ્ર ઘટનાના વીડિયો કેમેરામાં કેદ થયા છે.
17 ડિસેમ્બરે સુરતમાં ફાયરિંગ કેસના આરોપીઓ ઝડપાયા હતા
તમને જણાવી દઈએ કે 17 ડિસેમ્બરે સુરતમાં ફાયરિંગ કેસના મુખ્ય આરોપીઓ ઝડપાયા હતા અને આ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પાસે પંચનામું કરાયું હતું અને મુખ્ય આરોપી ગુરુમુખ ચીકલીઘરને સાથે રાખવામાં આવ્યો હતો. રીઢા આરોપી શુભમ ઉર્ફે માફિયાને પણ સાથે રખાયો હતો અને બમોરલી રોડ પર સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ આરોપીઓ ફાઈનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે નેપાળ બોર્ડર ક્રોસ કરવા જતા બે આરોપી ઝડપાયા હતા.