Surat : ગુજરાતના મુખ્યમંત્રી ગઈકાલ રવિવારે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીના રૂટ પર વર્ષોથી એક ખાડો છે તે મુખ્યમંત્રીને દેખાઈ નહી જાય તે માટે પાલિકા તંત્રએ આ ખાડાને સફેદ કપડાથી કોર્ડન કરી લીધો હતો. ડભોલી બીઆરટીએસ રૂટ પર લોકોની વર્ષો જુની સમસ્યા પાલિકા હલ કરી શકતી નથી આ ખાડો મુખ્યમંત્રી જોઈ જાય તો શરમ લાગે તેથી પાલિકાએ કપડું લગાવી ખાડો ઢાંકી દીધો હતો તેવું લોકો કહી રહ્યાં છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રવિવારે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા તેઓ વેડ વિસ્તારમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે જવાના હતા. મુખ્યમંત્રી એરપોર્ટથી વેડ તરફ જાય તે રૂટ પર ડભોલી બ્રિજ બાદ શ્યામ દર્શન સોસાયટી આવે છે. આ સોસાયટી અને બીઆરટીએસ રૂટ લાગુ ખાનગી માલિકીની જગ્યામાં વર્ષોથી મોટો ખાડો છે.